Surat: ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.80 લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા
‘અનેક જગ્યાએથી મળેલી નિષ્ફળતા બાદ સુરતનાં હિમોફિલિયા સેન્ટરે લાખોની સારવાર વિનામૂલ્યે કરી નવજીવન આપ્યું છે” આ શબ્દો છે મહારાષ્ટ્ર-મુંબઈના નાલાસોપારાના 45 વર્ષીય સેમ્સન એડ્રુ રોડ્રિક્સના. ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.80 લાખથી વધુની સારવાર નવી સિવિલના હિમોફિલિયા કેર સેન્ટરે નિ:શુલ્ક કરી મુંબઈના આ સિવિયર હિમોફિલીયાના દર્દીને સ્વસ્થ કર્યા હતા.
આ પણ વાંચો
સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ ની સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરના દર્દી સેમસન એન્ડ્રુ રોડ્રિક્સ ઘણાં વર્ષોથી જમણા પગના ઘૂંટણનાં દુ:ખાવાથી પીડિત હતાં. લાંબા સમયથી તેમણે શારીરિક સમસ્યા માટે પૂણે અને મુંબઈના અનેક ડોકટરો અને હોસ્પિટલોમાં સારવાર લીધી. જ્યાં તેમને ‘ની રિપ્લેસમેન્ટ’ની સલાહ આપવામાં આવી હતી.

જો કે હિમોફિલિયા ‘ટાઈપ-એ’ની સાથે તીવ્ર ટાઈટર ઇનહિબિટર હોવાથી દરેક જગ્યાએથી સારવારમાં નિષ્ફળતા જ મળી. આખરે સુરતની નવી સિવિલનું હિમોફિલિયા કેર સેન્ટરના તબીબો દેવદૂત બન્યા હતા અને સફળ સારવાર કરી નવજીવન આપ્યું હતું.
તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના હિમોફિલિયા કેર સેન્ટરના મેનેજર નિહાલ ભાતવાલા સાથે આ સારવાર માટે વાત થઈ અને તેમના માર્ગદર્શન મુજબ જાન્યુઆરી મહિનામાં અહીં દાખલ થયો અને એક મહિનાની સારવાર બાદ આજે એકદમ સ્વસ્થ થઇ પગે ચાલીને ઘરે પાછો ફર્યો છું. લાંબા સમય બાદ વોકરના સપોર્ટથી મુક્તિ મળતા આખો પરિવાર ખુશખુશાલ છે.

હિમોફિલિયા કેર સેન્ટરના મેનેજર નિહાલ ભાતવાલાએ જણાવ્યું કે, નવી સિવિલના તબીબી અધિક્ષક ડૉ.ધરિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરિ મેનન, ડૉ.નીતિન ચૌધરી તથા તેમની સમગ્ર તબીબી ટીમે દર્દીની સફળ ‘ટોટલ ની રિપ્લેસમેન્ટ’ સર્જરી કરી હતી.
આ તમામ સારવારમાં અંદાજિત રૂ.80.60 લાખના ઇન્જેક્શનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ આશરે એક મહિનાની સારવાર બાદ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયાં છે અને સારી રીતે ચાલી શકે છે અને તેમના દૈનિક જીવનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સુરત હિમોફિલિયા સેન્ટર વિષે વિગતો આપતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે, સુરતનું આ સેન્ટર સમગ્ર રાજ્યમાં એકમાત્ર સમર્પિત સેન્ટર તરીકે કાર્યરત છે અને સતત પ્રશંસનીય કામગીરી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા લોકસેવા અર્થે અપાતી મોંઘી દવા, આધુનિક સારવાર અને ટીમ વર્ક થકી આ સેન્ટર હવે દેશભરના હિમોફિલિયા દર્દીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હિમોફિલિયા દર્દીઓની અંદાજે 17 મેજર સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
ઈન્હિબિટર એટલે શું?
હિમોફીલિયા દર્દીને જ્યારે ફેક્ટર આપીએ, ત્યારે કેટલાક દર્દીઓમાં શરીર એ ફેક્ટરની સામે લડે છે. આ લડવાની પ્રક્રિયામાં જે એન્ટીબોડી બને છે તેને જ ઇન્હિબિટર કહે છે.
ઇન્હિબિટર પોઝીટીવ દર્દી હોય તો શું થાય? ઇન્હિબિટર પોઝીટીવ દર્દીની સારવાર શું?
આવા દર્દીને આપેલો ફેક્ટર અસર કરતો નથી. રક્તસ્ત્રાવ કંટ્રોલ થવામાં મુશ્કેલી પડે છે. અને સામાન્ય ડોઝથી આ રક્તસ્ત્રાવ અટકતો નથી. ઇન્હિબિટર પોઝીટીવ દર્દીને Bypassing agents જેમ કે ફેક્ટર VII અને FEIBA ની સારવાર કરાય છે.
