Surat: રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તા. 1 લી એપ્રિલ-2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026નો કાર્યક્રમ જાહેર કરાયો છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓમાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી અન્વયે કડોદરા, બારડોલી, તરસાડી અને માંડવી સહિતની ચારેય નગરપાલિકાઓમાં કુલ 92,398 મતદારો નોંધાયા છે.
જેમાં કડોદરા નગરપાલિકામાં 7 વોર્ડમાં 19,334 મતદારો અને 20 મતદાન મથકો અને બારડોલી નગર પાલિકા ખાતે 9 વોર્ડમાં 41,669 મતદારો અને 46 મતદાન મથકો નોંધાયા છે.
જ્યારે માંડવી નગરપાલિકા ખાતે 6 વોર્ડમાં 12,841 મતદારો અને 14 મતદાન મથકો તેમજ તરસાડી નગરપાલિકા ખાતે દરેક વોર્ડમાં 3 મતદાન મથક સાથે 7 વોર્ડના 21 મતદાન મથકો અને 18,554 મતદારો નોંધાયા છે. જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.28 એપ્રિલે મતગણતરી યોજાશે. તા.06 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થશે. ચૂંટણી માટે તા.11 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, તા.13 એપ્રિલના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા તા.15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. લોકશાહીના આ મહાપર્વમાં મહત્તમ લોકો ભાગીદાર બને તેવા સઘન પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
