Kutch: માધાપરની એક્સિસ બેન્કના ખાતામાં 4 દિવસમાં ઠગાઈના 3.33 કરોડ ટ્રાન્સફર થયા, ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ પર્દાફાશ

કચ્છના માધાપરમાં એક્સિસ બેંકના એક ખાતામાં 4 દિવસમાં ₹3.33 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ આ રેકેટનો ખુલાસો કર્યો, જેમાં 17 રાજ્યોમાંથી ફરિયાદો મળી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 08:34 AM (IST)Updated: Fri, 19 Jun 2026 08:34 AM (IST)
kutch-madhapar-axis-bank-fraud-operation-mule-hunt-cyber-crime

Kutch News: કચ્છના માધાપરમાં વધુ એક મોટું ઓનલાઈન કૌભાંડ સામે આવ્યું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ₹7.74 કરોડના ફ્રોડ બાદ, હવે માધાપરની એક્સિસ બેંકના એક શંકાસ્પદ કરંટ એકાઉન્ટમાં માત્ર 4 દિવસમાં ₹3.33 કરોડ ટ્રાન્સફર થયા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

'ક્રિષા એન્ટરપ્રાઇઝ' એકાઉન્ટ અને 4 દિવસનો ખેલ

સાયબર સેલના મહિલા પોલીસ કર્મચારી લખમીબેન ગઢવીએ આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસ તપાસ મુજબ, માધાપરની એક્સિસ બેંકમાં ‘ક્રિષા એન્ટરપ્રાઇઝ’ ના નામે એક કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું.

જે પૈકીના આરોપીઓ કરણ રાજેશભાઈ વડોર, જેનીશ અરવિંદભાઈ ગોર, કનૈયાલાલ મંગલદાસ ભાનુશાલી અને મૌલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

  • ટ્રાન્ઝેક્શનનો ગાળો: 10 થી 13 ડિસેમ્બર 2025 (માત્ર 4 દિવસ)
  • મોડસ ઓપરેન્ડી: આ શોર્ટ પિરિયડમાં દેશભરમાંથી સાયબર ઠગાઈના ₹3.33 કરોડ આ ખાતામાં જમા થયા અને તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા.


કૌભાંડના 17 રાજ્યો સાથે જોડાયેલા છે તાર: 54 ફરિયાદો દાખલ

નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ એક જ બેંક ખાતા વિરુદ્ધ દેશભરમાંથી લોકો છેતરાયા છે. આ એકાઉન્ટ સામે અલગ-અલગ 17 રાજ્યોમાં કુલ 54 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી ફરિયાદો નોંધાઈ છે. આંધ્ર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, તેલંગણા રાજ્યો છે.

દેવું ચૂકવવાની લાલચમાં 'મ્યુલ એકાઉન્ટ' ભાડે આપ્યું

પોલીસ પૂછપરછમાં આરોપી જેનીશ ગોર અને કરણ વડોરે જે ખુલાસો કર્યો તે આંખ ઉઘાડનારો છે. સાયબર ગુનેગારો કેવી રીતે સામાન્ય લોકોને શિકાર બનાવે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે

જેનીશ અને કરણ માથે મોટું દેવું થઈ ગયું હોવાથી તેઓને પૈસાની જરૂર હતી. મિરજાપર પોલીસ ચોકી સામે ચાની હોટલ ચલાવતા કનૈયાલાલ ભાનુશાલીએ મૌલિક નામના શખ્સ સાથે મળીને આ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. તેમણે બંને યુવકોને પોતાના નામે કરંટ એકાઉન્ટ ખોલાવીને તે દર મહિને ₹25,000 ના ભાડા પર આપવાની લાલચ આપી. લાલચમાં આવીને યુવકોએ બેંકની કીટ (ચેકબુક, ATM, ઈન્ટરનેટ બેન્કિંગ) ઠગોને સોંપી દીધી, જેનો ઉપયોગ સાયબર ક્રાઈમના પૈસા ફેરવવા માટે થયો.