Kutch Accident: કોન્ટ્રાક્ટરની બેદરકારીએ કુટુંબો વેરવિખેર કર્યો, માતા બાદ 20 વર્ષીય દીકરીનું પણ મોત, 4 દિવસના માસૂમે છત્રછાયા ગુમાવી

માર્ગ પર ચાલી રહેલા પુલિયાના કામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક કાર અને બે મોટરસાયકલ ખાબકતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 12 May 2026 05:16 PM (IST)Updated: Tue, 12 May 2026 05:19 PM (IST)
kutch-accident-car-falls-road-excavation-pit-three-killed
HIGHLIGHTS
  • સાધરા-ઢાઢર રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
  • ખાડામાં પડતાં ત્રણ લોકોના મોત નિપજ્યા

Kutch Car Accident: કચ્છ જિલ્લાના ખાવડા માર્ગ પર આવેલા સાધરા-ઢાઢર રોડ પર ગત શનિવારે સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ચાલી રહેલા પુલિયાના કામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં એક કાર અને બે મોટરસાયકલ ખાબકતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ ઘટનામાં સૌથી વધુ કરુણતા એ છે કે, અકસ્માતમાં માતાને ગુમાવ્યાના બીજા જ દિવસે તેની 20 વર્ષીય દીકરીએ પણ દમ તોડી દીધો છે, જેના કારણે માત્ર 4 દિવસ પહેલા જ જન્મેલા તેના માસૂમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.

સુરક્ષાના સાધનોનો અભાવ અને અંધારાનું સામ્રાજ્ય

સાંજે 7:30 થી 8:00 વાગ્યાના અરસામાં અંધારું હોવાને કારણે વાહનચાલકો આ જોખમી ખાડાને જોઈ શક્યા નહોતા, જેના પરિણામે એક સ્વિફ્ટ કાર (GJ-12-BR-6218) સીધી ખાડામાં ખાબકી હતી. આ કાર લગ્નપ્રસંગ પતાવીને પરત ફરી રહી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર નૂરબાઈ જુમાભાઈનું ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમની 20 વર્ષીય પુત્રી રેહાનાબેન જુમાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક ભુજ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવી હતી. જોકે, વિધિની વક્રતા એ રહી કે માતાના મૃત્યુના બીજા જ દિવસે, અમદાવાદ પહોંચે તે પહેલા જ રેહાનાબેનનું પણ નિધન થયું હતું. રેહાનાબેને માત્ર ચાર દિવસ પહેલા જ એક પુત્રને જન્મ આપ્યો હતો. માતા-પુત્રીના એકસાથે મોતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ અકસ્માત બાદ બે મોટરસાયકલો પણ આ જ ખાડામાં પડતા અકસ્માત વધુ ગંભીર બન્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સવારથી જ આ માર્ગ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ, નિર્માણ કાર્ય ચાલતું હોય ત્યાં આડશ (બેરિકેટ્સ), રેડિયમ સાઈનબોર્ડ, ડાયવર્ઝનના સંકેતો અથવા ચેતવણી આપતી લાઈટો હોવી અનિવાર્ય છે. જોકે, આ સ્થળે સુરક્ષાના કોઈ જ સાધનો ગોઠવવામાં આવ્યા નહોતા. રસ્તા પર માત્ર માટીના ઢગલા અને બાવળની ઝાડીઓ આડી મૂકીને સંતોષ માની લેવાયો હતો.

મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગત

આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે:

  • નૂરબાઈ જુમા સમાણા (40 વર્ષ): રહે. જૂના દેઢિયા.
  • રેહાના હાકીમભાઈ (20 વર્ષ): સારવાર અર્થે અમદાવાદ લઈ જતી વખતે ધ્રાંગધ્રા પાસે દમ તોડ્યો.
  • રાશિદ સુમર કાલર (25 વર્ષ): રહે. સાધરા (બાઈક ચાલક).

આ ઉપરાંત, માધાપર-જૂનાવાસના આમદ ઈબ્રાહિમ સમા અને અફસીન આમદ સમા સહિત અન્ય બાઈક સવારો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

તંત્રની તપાસ અને લોકરોષ

ઘટનાના 3 દિવસ બાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે અને તપાસ અહેવાલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે, ત્રણ જીવ ગયા હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ ફોજદારી ગુનો દાખલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખાવડા પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધી નથી, પરંતુ જનતામાં એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે આ ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.