Loading...

હિંમતનગર HUDA મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગ્રામજનોના વિરોધ બાદ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયા હાલ સ્થગિત

બેઠક દરમિયાન HUDA ની રચના સામે વાંધો ઉઠાવનારા આગેવાનોએ પોતાના પ્રશ્નો અને આશંકાઓ રજૂ કરી હતી. ગ્રામજનોની મુખ્ય ચિંતા જમીનના દબાણ, વિકાસના નિયમો અને સ્થાનિક સ્વાયત્તતા અંગેની હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Thu 18 Dec 2025 08:34 AM (IST)Updated: Thu 18 Dec 2025 08:34 AM (IST)
state-government-big-decision-on-himmatnagar-huda-issue-process-of-forming-the-authority-is-currently-suspended-after-protests-from-villagers-657366

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં 'હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી' (HUDA) ની રચનાને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારે લોકલાણી અને ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને રાખીને HUDA બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાની જાહેરાત કરી છે.

ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં હિંમતનગર આસપાસના અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સરકાર દ્વારા રચાયેલી વિશેષ કમિટીના સભ્યો એવા મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા.

ગ્રામજનોની રજૂઆતોને મળ્યું પ્રાધાન્ય

બેઠક દરમિયાન HUDA ની રચના સામે વાંધો ઉઠાવનારા આગેવાનોએ પોતાના પ્રશ્નો અને આશંકાઓ રજૂ કરી હતી. ગ્રામજનોની મુખ્ય ચિંતા જમીનના દબાણ, વિકાસના નિયમો અને સ્થાનિક સ્વાયત્તતા અંગેની હતી. મંત્રી હર્ષ સંઘવી અને કમિટીના સભ્યોએ તમામ રજૂઆતોને ખૂબ જ કાળજીપૂર્વક અને ધીરજથી સાંભળી હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવતા એવો નિર્ણય લીધો કે, જ્યાં સુધી સ્થાનિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે નહીં.

લોકશાહી ઢબે પ્રશ્નનો ઉકેલ

આ નિર્ણયથી હિંમતનગરના ગ્રામીણ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ આ મુદ્દે અનેક ગામોમાં વિરોધ પ્રદર્શનો અને પંચાયતો દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા. જોકે, સરકારે જિદ છોડીને સંવાદનો માર્ગ અપનાવતા વિવાદ શમી ગયો છે. બેઠક બાદ ઉપસ્થિત આગેવાનોએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજાના અવાજને માન આપીને સરકારે પ્રશંસનીય પગલું ભર્યું છે. હાલમાં આ પ્રોજેક્ટ સ્થગિત થવાથી હિંમતનગર આસપાસના ગામોના ખેડૂતો અને રહીશોએ મોટી રાહત અનુભવી છે.