Sabarkantha: ટોલ ટુંગરી ગામે 150 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો અંધ શ્વાન, ખેડૂતે 25 દિવસ સુધી જીવાડ્યો; જાણો કેવી રીતે

ઈડર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને કૂવામાં ઉતરીને અંધ શ્વાનને હેમખેમ બહાર કાઢ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 03:41 PM (IST)Updated: Sun, 10 May 2026 03:43 PM (IST)
sabarkantha-vijaynagar-blind-dog-rescued-from-150-feet-deep-well
HIGHLIGHTS
  • 150 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો અંધ શ્વાન
  • ખેડૂતે 25 દિવસ ખોરાક-પાણી આપ્યો

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ટોલ ડુંગરી ગામે માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક અબોલ અને અંધ શ્વાનને બચાવવા માટે ખેડૂતે દાખવેલી સંવેદના અને ફાયર વિભાગની કામગીરીએ સાબિત કર્યું છે કે માનવતા હજુ પણ જીવંત છે.

150 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો અંધ શ્વાન

ઘટનાની વિગત મુજબ, ગામના ખેડૂત પ્રતીકકુમાર અમૃતભાઈ ગામેતીના ખેતરમાં રહેતો એક શ્વાન બંને આંખે અંધ હતો. તાજેતરમાં આ અંધ શ્વાન અચાનક ખેતરમાં આવેલા આશરે 150 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. સદનસીબે કૂવો કોરો અને પાણી વિનાનો હોવાથી શ્વાનનો જીવ બચી ગયો હતો. પરંતુ, અંધ હોવાને કારણે અને કૂવાની ઊંડાઈ એટલી પ્રચંડ હોવાથી તેને ત્યાંથી બહાર કાઢવો અશક્ય લાગી રહ્યો હતો.

ખેડૂતે સતત 25 દિવસ આપ્યો ખોરાક-પાણી

સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં અન્ય કોઈ હોત તો શ્વાનને મરવા માટે છોડી દેતા, પરંતુ ખેડૂત પ્રતીકકુમારે શ્વાનને ગમે તે ભોગે જીવાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તેમણે સતત 20-25 દિવસ સુધી સવાર-સાંજ ડોલ બાંધીને કૂવામાં શ્વાન માટે ખોરાક અને પીવાનું પાણી પહોંચાડ્યું. માત્ર માલિકની આ અપાર સંવેદના અને મમતાના કારણે જ અબોલ જીવ 150 ફૂટ ઊંડા અંધારા કૂવામાં 25 દિવસ સુધી જીવતો રહી શક્યો.

ઈડર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

આખરે, આ મુસીબતનો ઉકેલ લાવવા માટે ઈડર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટાફના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 150 ફૂટની જોખમી ઊંડાઈએ ઉતરીને ફાયર ટીમે આ અંધ શ્વાનને સહીસલામત રીતે હેમખેમ બહાર કાઢ્યો, ત્યારે સૌના જીવમાં જીવ આવ્યો હતો.

25 દિવસના લાંબા સંઘર્ષ બાદ જ્યારે શ્વાનને ખેડૂતને સોંપવામાં આવ્યો, ત્યારે તે દ્રશ્યો અત્યંત ભાવુક હતા. એક અબોલ જીવ પ્રત્યે ખેડૂતની આ અતૂટ મમતા અને ફાયર ટીમની નિષ્ઠા જોઈને સમગ્ર પંથકમાં આ ઘટનાની અને કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.