Sabarkantha: રૂપાલ ગામમાં દલિત સમાજ દ્વારા સામૂહિક હિજરતની ચીમકી, જાતિગત ભેદભાવના ગંભીર આક્ષેપ

દલિત સમાજે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 19 May 2026 12:24 PM (IST)Updated: Tue, 19 May 2026 12:24 PM (IST)
sabarkantha-rupal-village-dalit-caste-discrimination-case-and-exodus-threat
HIGHLIGHTS
  • રૂપાલ ગામમાં જાતિગત ભેદભાવના આરોપ 
  • દલિત સમાજ દ્વારા હિજરતની ચીમકી ઉચ્ચારી

Rupal caste discrimination case: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ગંભીર ભેદભાવ અને ઉત્પીડન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના જૂથ દ્વારા અપાતા કથિત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને દલિત સમાજે સામૂહિક હિજરત કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે.

કલેક્ટર-ધારાસભ્યને આવેદનપત્ર, 7 દિવસનું અલ્ટિમેટમ

પીડિત દલિત પરિવારોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટર, SP, અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક તેમજ સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાંસદ શોભનાબેન બારૈયાને લેખિત રજૂઆત કરી એક આવેદનપત્ર પાઠવ્યું છે. પીડિત સમાજના દાવા મુજબ, આ મામલે અગાઉ એટ્રોસિટી એક્ટ હેઠળ 6 જેટલી ફરિયાદો નોંધાઈ છે અને અનેક રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહી થઈ નથી.

પીડિત સમાજ દ્વારા તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો તેમને યોગ્ય ન્યાય અને રક્ષણ નહીં મળે, તો તેઓ પોતાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને માલ-સામાન સાથે ગામમાંથી સામૂહિક હિજરત કરી જિલ્લા કલેક્ટર કચેરી બહાર આંદોલન પર બેસી જશે.

અમાનવીય ફતવાઓ અને દારૂના નશામાં અત્યાચાર

આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપો અનુસાર, દલિત સમાજના લોકો સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક અને ન્યાયિક રીતે ખુલ્લેઆમ ભેદભાવ રાખવામાં આવે છે. ગામમાં દલિતો માટે કેટલાક અમાનવીય ફતવાઓ જેવી સ્થિતિ પ્રવર્તે છે, જેમાં:

  • દલિત સમાજના લોકોએ સારા કપડાં પહેરવા નહીં.
  • ક્ષત્રિય સમાજના લોકોને જોઈને વાહનો ચલાવવા નહીં.
  • ગામમાં વરઘોડો કાઢવો નહીં અને ફરજિયાત 'બાપુ' કહીને જ સંબોધન કરવું.

આ ઉપરાંત, ગામમાં પુષ્કળ દારૂનું વેચાણ થાય છે અને કેટલાક લોકો દારૂના નશામાં દલિત મહોલ્લામાં ઘૂસી જઈ ગેરવર્તન કરે છે.

અપમાન અને ટ્રેક્ટર ચડાવીને હત્યાનો પ્રયાસ

ગત 15 મે, શુક્રવારના રોજ સવારે ગામના દિલીપભાઈ કાંતિભાઈ પરમાર પોતાની ગાડી લઈને નીકળ્યા ત્યારે એક ગંભીર ઘટના બની હતી. ગામના જ સંદીપસિંહ નામના વ્યક્તિએ રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. દિલીપભાઈ ત્યાંથી પાછા વળ્યા ત્યારે સંદીપસિંહે તેમના પર ટ્રેક્ટર ચડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના પગલે પીડિતે 112 પર ફોન કરી પોલીસની મદદ માંગવી પડી હતી.

તંત્ર દોડતું થયું, બંને જૂથો સાથે બેઠક કરી

આ ઉગ્ર રજૂઆત અને હિજરતની ચીમકી બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. પ્રાંતિજ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, હિંમતનગર DySP, તલોદ મામલતદાર, TDO અને PI સહિતના અધિકારીઓ રૂપાલ ગામમાં દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા બંને જૂથો સાથે બેઠક કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમજૂતી કરવામાં આવી છે.