Loading...

અરવલ્લી પર્વતમાળા વિવાદઃ ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાની ચીમકી, નિર્ણય પરત નહીં ખેંચાય તો ગાંધીનગર અને દિલ્હી કૂચ કરીશું

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં. અરાવલી પર થતું અતિક્રમણ ફક્ત આ ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિ માટે વિનાશકારી સાબિત થશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 24 Dec 2025 05:14 PM (IST)Updated: Wed 24 Dec 2025 05:20 PM (IST)
sabarkantha-news-save-aravalli-campaign-intensifies-chaitar-vasava-warns-of-gandhinagar-delhi-march-661410

Aravalli Range Dispute: અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે 'અરાવલી બચાવો' અભિયાન વધુ વેગવાન બન્યું છે. ખેડબ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લીની પર્વતમાળાઓના રક્ષણ માટે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે ત ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી સુધી કૂચ કરવામાં આવશે.

પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીંઃ ચૈતર વસાવા

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં. અરાવલી પર થતું અતિક્રમણ ફક્ત આ ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિ માટે વિનાશકારી સાબિત થશે. અરાવલી પર્વતમાળા વાતાવરણને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો અરાવલી નહીં બચે તો નદીઓ પણ સુકાઈ જશે, જેનાથી પાણીનું ગંભીર સંકટ ઊભું થશે. આવશ્યકતા પડી તો અરાવલીને બચાવવા માટે અમે જનતાને સાથે લઈને ગાંધીનગર તરફ કૂચ કરીશું. જ્યારે રાજસ્થાન અને હરિયાણાના લોકો દિલ્હીનું આહ્વાન કરશે, ત્યારે ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જઈને આ સંઘર્ષમાં સામેલ થશે. જળ, જંગલ અને જમીનના વિનાશથી જો વિકાસ થતો હોય, તો આવા વિકાસની અમને કોઈ આવશ્યકતા નથી. વિકાસના નામે અમે એક ઇંચ જમીન પણ આપવા તૈયાર નથી.

આવનારા દિવસોમાં અમે દિલ્હી તરફ પણ કૂચ કરીશુંઃ ચૈતર વસાવા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અરાવલીના પહાડ ફક્ત પહાડ નથી, પરંતુ આપણી આસ્થા અને આપણું અસ્તિત્વ છે. આપણું પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ આપણી આવનારી પેઢીઓનો આધાર છે, અને તેને બચાવવા માટે અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકોના સંપર્કમાં છીએ. જરૂર પડી તો અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું અને જો સુપ્રીમ કોર્ટ આ મામલે પુનઃ સુનાવણી નહીં કરે અને સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આવનારા દિવસોમાં અમે દિલ્હી તરફ પણ કૂચ કરીશું.

અરવલ્લી પર્વતમાળા અંગેની શું છે નવી વ્યાખ્યા

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર, 2025ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC)ની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. આ સમિતિમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના પ્રતિનિધિઓ તેમજ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અને જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેવી તકનીકી સંસ્થાઓ શામેલ હતી. આ સમિતિની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી ઉંચી ટેકરીઓને જ અરવલ્લી પર્વતમાળા માનવામાં આવશે. જોકે તેનો વિરોધ થયો છે. પર્યાવરણવાદીઓ અને નિષ્ણાતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છેકે અરવલ્લીનો મોટો હિસ્સો કાયદાકીય સંરક્ષણથી બહાર જઇ જશે.

કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે શું કરી હતી સ્પષ્ટતા

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારે હંમેશા આ પ્રાચીન પર્વતમાળાના રક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં અરવલ્લીનું વૈજ્ઞાનિક રીતે રક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે અને ગંભીર જરૂરિયાત સિવાય નવા ખાણકામ લીઝ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે તેના ફકરા 38માં દર્શાવેલ છે. મંત્રીએ 100-મીટર ઊંચાઈના નિયમ અંગેની ખોટી માહિતીને સુધારીને જણાવ્યું કે સંરક્ષણ પાયાથી શરૂ થાય છે, ટોચથી નહીં, અને દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં કોઈ ખાણકામની મંજૂરી નથી. અરવલ્લી શ્રેણી, જેમાં 20 વન્યજીવન અભયારણ્ય અને ચાર વાઘ અનામત છે, તેનું પર્યાવરણીય મહત્વ અત્યંત ઊંચું છે. આ સાથે, ભારતીય વન સર્વેક્ષણે અરવલ્લીમાં ચાલતી ખાણકામ પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવાની ભલામણ કરી છે કારણ કે તે વિનાશનું કારણ બની રહી છે.

ગુજરાત સરકારના પર્યાવરણમંત્રીએ શું કહ્યું

પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે અરવલ્લી ગીરીમાળા સંબંધિત વિવાદ ગુજરાત માટે કોઈ ખતરો નથી, કારણ કે રાજ્યમાં અરવલ્લીના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ખાણકામની મંજૂરી આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને 'પર્વત' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.

સમગ્ર ભારતમાં અરવલ્લીનો કુલ વિસ્તાર 1.47 લાખ ચોરસ કિલોમીટર છે, જેમાંથી સુપ્રીમ કોર્ટ દ્વારા ખાણકામ માટેની છૂટ માત્ર 0.19 ટકા વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે. આ ચોક્કસ વિસ્તારો ગુજરાતમાં સમાવિષ્ટ ન હોવાથી રાજ્યના નાગરિકોએ અરવલ્લીને જોખમ હોવાની ધારણા રાખવાની જરૂર નથી. સરકારે ખનીજ ખોદકામ પર વધુ સઘન નિયંત્રણ લાવવા માટે સંપૂર્ણ ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાનો અમલ પણ કર્યો છે.