Sabarkantha News: સાબરકાંઠા જિલ્લા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે (SOG) પોશીના તાલુકાના લાખિયા ગામેથી રૂ. 1.13 કરોડથી વધુ કિંમતનું 226 કિલોગ્રામ લીલા ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે કુલ 558 ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, SOG ટીમે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતા હાંમથા ડાભી (ઉં.વ. 38) નામના વ્યક્તિના રહેણાક મકાન નજીકની જમીનમાંથી આ વાવેતર શોધી કાઢ્યું હતું. જપ્ત કરાયેલા 558 ગાંજાના છોડનું કુલ વજન 226.237 કિલોગ્રામ થયું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 1.13 કરોડ આંકવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માદક દ્રવ્યો વિરોધી કાર્યવાહીના નિર્દેશો હેઠળ, SOG PI ડી.સી. પરમાર અને PSI પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ SOG ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, પોલીસકર્મીઓ જયદીપકુમાર, પંકજકુમાર અને નિલેશકુમારને હાંમથા ડાભી પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
સાબરકાંઠા પોલીસ ને મળી સફળતા..લાખિયા ગામે ખેતર માં વાવેતર કરવામાં આવેલ 558 નંગ છોડ સાથે એક આરોપી ને ઝડપી પાડતી સાબરકાંઠા SOG#sabarkanthapolice@CMOGuj @sanghaviharsh@dgpgujarat @GujaratPolice @DIGPGnrRange @InfoGujarat @InfoSabarHmt @smitgohil25 @PayalSomeshwar @Kuldeep_cop pic.twitter.com/EGvn0L4lIc
— SP SABARKANTHA (@SPSabarkantha) December 10, 2025
બાતમીની ખરાઈ કરવા માટે SOG ટીમે સૌપ્રથમ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કર્યો, જેણે સ્થળની ચોક્કસ માહિતી આપી અને વાવેતરની પુષ્ટિ કરી. ડ્રોનથી પુષ્ટિ મળ્યા બાદ, પોલીસે સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું હતું.
SOG ટીમે હાંમથા ડાભીના ખેતરમાંથી મળી આવેલા તમામ ગાંજાના છોડનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસે જણાવ્યું હતું કે તેઓ યુવાધનને નશાખોરીથી બચાવવા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે અને સમાજને નશામુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
