Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક પ્રેમી પંખીડાનું અપહરણ કરીને યુવકને તાલિબાની સજા આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં આરોપીઓ યુવકને વડગામ લઈ જઈને ઢોર માર મારીને મુંડન કરાવી નાખ્યા હોવાની વિગત મળી છે. જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ એકશનમાં આવી છે. તેમજ 11 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમી યુગલનું અપહરણ, યુવકનું મુંડન
મળતી માહિતી મુજબ, મહેસાણાના સતલાસણાનો યુવક નજીકના જ ગામની એક પરણિત યુવતી સાથે મૈત્રી કરાર કરીને સુરત રહેતો હતો. જોકે, આ સંબંધ સમાજના કેટલાક શખ્સોને પસંદ આવ્યો નહોતો. આથી આ બાબતે વિરોધ ચાલી રહ્યો હતો. ગત 28 મેના રોજ આ યુગલ ઇડરમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરતી તેમની સંબંધી મહિલાને મળવા આવ્યા હતા. ત્યાં બે મહિલા સહિત સાત લોકોએ બંનેનું અપહરણ કરી લીધું હતું
વીડિયો વાયરલ થતાં ખળભળાટ
યુવક અને યુવતીને અલગ કારમાં બેસાડીને વડગામ તાલુકાના ભલગામની સીમમાં લઈ જઈને અત્યાચાર ગુજાર્યો હતો. તેમજ તેના હાથ પગ બાંધી દઈને ઢોરમાર માર્યો હતો. આવો નિર્મમ અત્યાચાર ગુજાર્યા બાદ આરોપીઓએ યુવકનું મુંડન કર્યું હતું. જેનો વીડિયો પણ ઉતાર્યો હતો. તેમજ તેની પાસેથી રુપિયા પડાવી લીધાનો આક્ષેપ યુવકે કર્યો છે.
11 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
યુવકે આરોપીઓ સામે ટોઈલેટ જવાનું બહાનું બનાવીને નાસી ગયો હતો. આ ઘટના સાબરકાંઠામાં બની હોવાને લીધે યુવકે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને અરજી સોંપતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. આ તાલિબાની સજાનો વીડિયો વાયરલ થતાં જ ઇડર પોલીસે 11 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીછે.
