Loading...

Himmatnagar: ઉત્તર ગુજરાતમાં રેલવે ક્રાંતિ; અસારવા-ખેડબ્રહ્મા ઇલેક્ટ્રિક ટ્રેન સેવાનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રાયલ રન સફળ

આજે આ રૂટ પર નવી ટ્રેન શરૂ કરવા માટેનું અંતિમ ટ્રાયલ રન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 25 Mar 2026 09:39 PM (IST)Updated: Wed 25 Mar 2026 09:39 PM (IST)
himmatnagar-railway-revolution-in-north-gujarat-countdown-of-asarwa-khedbrahma-electric-train-service-begins-trial-run-successful-715375
HIGHLIGHTS
  • હિંમતનગરથી ખેડબ્રહ્મા હવે માત્ર 45-50 મિનિટમાં
  • નાના અંબાજીના શ્રદ્ધાળુઓ માટે સીધી રેલ સેવા
  • અસારવા (અમદાવાદ) સુધીની કનેક્ટિવિટીનો માર્ગ મોકળો

Himmatnagar: ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો માટે પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થવા જઈ રહી છે. અમદાવાદના અસારવા સ્ટેશનથી હિંમતનગર થઈ ખેડબ્રહ્મા સુધીની ઈલેક્ટ્રિક રેલવે સેવા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઇલેક્ટ્રિક એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે.

તાજેતરમાં હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના નવનિર્મિત 55 કિલોમીટરના ટ્રેક પર હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન દોડાવવામાં આવ્યું હતું. આ ટ્રાયલ રન દરમિયાન ટ્રેકની ક્ષમતા, ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન (OHE) અને સિગ્નલિંગ સિસ્ટમની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રેલવેના ટેકનિકલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાયલના પરિણામો હકારાત્મક રહ્યા છે અને હવે તેનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મંજૂરી માટે મોકલવામાં આવશે.

પ્રોજેક્ટની મહત્વની હાઈલાઈટ્સ
આ રૂટ પરની મીટરગેજ ટ્રેન સેવા 01 જાન્યુઆરી, 2017ના રોજ બંધ કરવામાં આવી હતી. આશરે 9 વર્ષના લાંબા વિરામ બાદ હવે અહીં બ્રોડગેજ ટ્રેનો દોડશે. ₹482 કરોડના ખર્ચે આ ગેજ પરિવર્તન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું, જે રેકોર્ડ 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

25 કેવી, 50 હર્ટ્ઝ એ.સી. ટ્રેક્શન પ્રણાલી સાથેનું ઇલેક્ટ્રિફિકેશન કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE) રજનીશ કુમાર ગોયલ દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ આ સેક્શનને અધિકૃત કરવામાં આવ્યો છે.

ટ્રાયલ રન સફળ
25 માર્ચ, 2026ના રોજ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) સાથેનો ફાઈનલ સ્પીડ ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો છે. સવારે 11 વાગ્યે હિંમતનગરથી શરૂ થયેલ આ ટ્રાયલ સફળ રહ્યો હોવાના અહેવાલ છે. આ ટ્રાયલનો રિપોર્ટ સબમિટ થયા બાદ ગમે ત્યારે નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓની જાહેરાત થઈ શકે છે.

મુસાફરોને થનારા મોટા ફાયદા
ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થવાથી હિંમતનગરથી ખેડબ્રહ્માનું અંતર માત્ર 45 થી 50 મિનિટમાં કાપી શકાશે. ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ અમદાવાદ (અસારવા) સુધીની સીધી ટ્રેન મળવાથી નોકરિયાત વર્ગ અને વેપારીઓને મોટો લાભ મળશે.

ખેડૂતોને તેમના પાક (ઘઉં, શાકભાજી) અમદાવાદના બજારો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને ખર્ચમાં ઘટાડો થશે.

ટ્રેન સેવાની સંભવિત તારીખ
રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ રૂટ પર મેમુ (MEMU) અથવા ડેમુ (DEMU) ટ્રેન સેવાઓ વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે.

સીધી અંબાજી ટ્રેનની ઉઠતી માંગ
સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ દ્વારા અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા સીધી અંબાજી સુધી રેલવે સેવા લંબાવવાની માંગ સતત કરવામાં આવી રહી છે. રેલવે વિભાગ આ અંગે વિચારણા કરી રહ્યું છે. જો આ લાઇન પૂર્ણ રીતે કાર્યરત થાય તો શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે જતા લાખો ભક્તો માટે રેલવે સૌથી શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ બની રહેશે.