Himmatnagar HUDA: લાંબા સમયથી HUDA ની રચનાને લઇને વિરોધ કરી રહેલા હિંમતનગરના 11 ગામોના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે હિંમતનગર પાલિકા બહારના 11 ગામોને HUDA ના કાર્યક્ષેત્રથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હિંમતનગર HUDA વિવાદનો સુખદ અંત આવ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 'હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી' (HUDA) ની રચનાને લઈને વિવાદ થયો હતો. લગભગ 11 જેટલા ગામના લોકોએ હુડામાં સમાવેશ સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ વિવાદનો હવે આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારે 11 ગામોને HUDA ના કાર્યક્ષેત્રથી બહાર રાખવાની જાહેરાત કરી છે.
સત્તાવાર જાહેરાત, નોટિફિકેશનમાં સરકારે શું કહ્યું?
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે અનુસાર હિંમતનગર પાલિકાની હદને બાદ કરતાં અન્ય 11 ગામ HUDA ના કાર્યક્ષેત્ર અને કાયદાકીય બંધનોથી મુક્ત રહેશે. આ ગામોમાં હવે વિકાસ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કે અમલમાં મૂકવાની પ્રક્રિયા લાગુ પડશે નહીં. અગાઉ લાગુ થનારા બાંધકામ અને જમીન વપરાશ સંબંધી નિયમો પણ અમલમાં રહેશે નહીં. આ નિર્ણયથી 11 ગામનો લોકોને રાહત મળશે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો હતો નિર્ણય
નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં હિંમતનગર આસપાસના અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન HUDA ની રચના સામે વાંધો ઉઠાવનારા આગેવાનોએ પોતાના પ્રશ્નો અને આશંકાઓ રજૂ કરી હતી. ગ્રામજનોની મુખ્ય ચિંતા જમીનના દબાણ, વિકાસના નિયમો અને સ્થાનિક સ્વાયત્તતા અંગેની હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવતા એવો નિર્ણય લીધો કે, જ્યાં સુધી સ્થાનિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે નહીં.
