Ambaji 51 Shaktipeeth Parikrama Mahotsav 2026: આજથી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્રણ દિવસના આ મહાપર્વ દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી ખાતે આવી છે. ત્યારે શ્રદ્ધાળુઓને સુલભ પરિવહન મળી રહે તે માટે સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના આસપાસના બસ ડેપો દ્વારા અંબાજી જવા ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓના પરિવહન માટે ખાસ બસ સેવા
તારીખ 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માતા અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનું સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ વિશેષ આયોજન કર્યું છે.
નિઃશુલ્ક લઈ જવા ઉપરાંત પરત લાવવાની વ્યવસ્થા
અંબાજીમાં આજથી શરૂ થતી 51 શક્તિપીઠ પરિક્રમા માટે સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 195 બસો ફાળવવામાં આવી છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળો પરથી દરરોજ 65 બસ ઉપડશે તથા યાત્રાળુઓને તે જ સ્થળે પરત ઉતારશે.
તાલુકા અને તારીખ અનુસાર બસ ફાળવણી
30-31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાંથી બસો ઉપડશે. જેની વિગતવાર માહિતી બસ ડેપોથી મેળવી શકાશે. 30 જાન્યુઆરીના રોજ પોશીના તાલુકામાં 3 બસ, વિજયનગર તાલુકામાં 4 બસ, ખેડબ્રહ્મા તાલુકામાં 8 બસ, ખેડબ્રહ્મા પાલિકાથી બે બસ અને ઇડર તાલુકામાં 14 બસો ઉપડશે.
ગાંધીનગરથી પણ 36 બસ દોડશે
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈ ગાંધીનગર બસ ડેપો દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 30 જાન્યુઆરીના રોજ 8 બસ અને 31 જાન્યુઆરીના રોજ પણ 8 બસ ગાંધીનગરથી સીધી શક્તિપીઠ અંબાજી તરફ રવાના થશે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીના રોજ યાત્રિકોની સંખ્યા વધુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કુલ 20 બસ ચાલશે.
આ પણ વાંચો: અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો મંગલ પ્રારંભ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ
છેલ્લા દિવસે અમદાવાદ મારફતે 20 બસ દોડશે
1 ફેબ્રુઆરીના રોજ બસો પહેલા અમદાવાદ જશે અને ત્યારબાદ અમદાવાદથી અંબાજી તરફ આગળ વધશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી અંબાજી માટે બસો મૂકવામાં આવતા રેગ્યુલર રૂટ પર કેટલાક રૂટમાં બસની ટ્રીપ ઓછી થશે.
યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે આયોજન
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં યોજાઈ શકે.
