Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર રેવાસ નજીક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતના ચાર લોકોના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મૃતક સચિન બાબુભાઈ ભોઈ, અનિલ રમેશભાઈ ભોઈ, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈ (તમામ રહે. ઈડર ભોઈવાડા) રાત્રે દૈનિક મજૂરીનું કામ પતાવી પોતાની રિક્ષામાં સવાર થઈને ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન, રેવાસ ગામ પાસે સમાજવાડી નજીક એક ઈકો કારના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે વાહન ચલાવી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ રેવાસ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. ઈડર પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર પૈકી સચિન બાબુભાઈ ભોઈ અને અનિલ રમેશભાઈ ભોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવાનો, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી શૈલેષ નારણભાઈ ભોઇનું ઇડર સિવિલમાં મૃત્યું થયું હતું. જ્યારે રાજેશ ચંદુભાઈ ભોઈને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજતાં મૃત્યુઆંક ચારએ પહોંચ્યો હતો.
