Rajkot: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જામનગર હાઈવે પર મોડી રાત્રે લૂંટ અને હુમલાની સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના પેડક રોડ પર આવેલા વાલ્મિકી આવાસ ક્વાર્ટરમાં રહેતો 19 વર્ષીય યુવાન નિશિત નિર્મલભાઈ બોરીચા ગત રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે પોતાના ભાઈ અને મિત્રો સાથે જામનગર રોડ પર આવેલી ભારત હોટલ ખાતે ચા પીવા માટે જઈ રહ્યો હતો.
આ દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ નજીક એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે નિશિતના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિશિતને શરીરે ઇજાઓ પહોંચી હતી, પરંતુ ઘટનાએ ત્યારે વરવું સ્વરૂૂપ ધારણ કર્યું જ્યારે અકસ્માત બાદ કારના ચાલકને જોઈને ચલાવવાનું કહેવામાં આવ્યું.
આ પણ વાંચો
અકસ્માત સર્જ્યા બાદ કારમાં સવાર બે શખ્સો માનવતા દાખવવાને બદલે અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા. કાર ઉભી રાખી તેમાંથી બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના ધોકા લઈને નીચે ઉતર્યા હતા અને નિશિત તથા તેના નાના ભાઈ પ્રિન્સ બોરીચા પર તૂટી પડ્યા હતા.
ધોકા વડે આડેધડ માર મારતા બંને ભાઈઓને ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરો એટલેથી જ ન અટકતા, નિશિતના મિત્ર નિશાંત ચૌહાણની માલિકીનું અંદાજે 1.20 લાખ રૂૂપિયાની કિંમતનું બાઈક બળજબરીપૂર્વક લૂંટીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાઈવે પર બનેલી આ લૂંટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ભોગ બનનાર યુવકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
નિશિત તેના પરિવારમાં બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે અને તેના પિતા હયાત નથી. તે અગાઉ ટ્રાફિક ટોઇંગ વાહનમાં નોકરી કરીને પરિવારને મદદરૂૂપ થતો હતો. મોડી રાત્રે મિત્રો અને ભાઈ સાથે સામાન્ય ચા પીવા જવાનું આયોજન હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના ધક્કા સુધી પહોંચશે તેવી તેમને કલ્પના પણ નહોતી. હુમલાખોરો દ્વારા જે રીતે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી તે જોતા આ કોઈ રીઢા ગુનેગારો હોવાની શંકા પણ સેવાઈ રહી છે.આ મામલે હાલ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે. જેથી લૂંટ ચલાવી ભાગી છૂટેલા કાર સવાર શખ્સોની ઓળખ કરી શકાય. હાઈવે પર રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
