ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી રૂ. 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ, આરોગ્ય મંત્રીએ આપી કડક ચેતવણી!

રાજકોટના ગોંડલમાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરીને 'સત્યમ મસાલા' ફેક્ટરીમાંથી રૂ. 1.11 કરોડથી વધુની કિંમતનો 35 હજાર કિલોથી વધુ શંકાસ્પદ મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. વાંચો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું આપી કડક ચેતવણી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 18 Jun 2026 09:56 PM (IST)Updated: Thu, 18 Jun 2026 09:56 PM (IST)
suspicious-quantity-of-over-rs-111-crore-seized-from-gondals-spice-factory-health-minister-gives-strict-warning

Rajkot Food Safety Raid: ગુજરાતના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સલામત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્યવ્યાપી કડક ચકાસણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કડીમાં રાજકોટના ગોંડલમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફૂડ સેફ્ટી વિભાગે કરોડો રૂપિયાનો શંકાસ્પદ મસાલાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગોંડલની 'સત્યમ મસાલા' ફેક્ટરી પર ત્રાટકી ફૂડ વિભાગની ટીમ

મળતી વિગતો મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (રાજકોટ)ની ટીમ દ્વારા ગઈકાલે એટલે કે 17 જૂન, 2026ના રોજ ગોંડલના ભીમવાડી વિસ્તારમાં આવેલી મે. સત્યમ મસાલા નામની પેઢી પર એકાએક સઘન તપાસ (રેડ) હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ ઓચંતી કાર્યવાહીથી મસાલાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફેક્ટરીમાં તપાસ દરમિયાન મોટા પાયે શંકાસ્પદ અને હલકી ગુણવત્તાના મસાલા હોવાની આશંકા સેવાતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જથ્થો સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.

કુલ 4 નમૂના લેવાયા: 35,527 કિલોગ્રામ જથ્થો જપ્ત

અધિકારીઓએ ફેક્ટરી પરિસરમાંથી કુલ ચાર અલગ-અલગ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂના (સેમ્પલ) લીધા હતા. આ નમૂનાઓમાં ધાણા પાઉડર, કોર્ન પાઉડર, મરચું પાઉડર અને હળદર પાઉડરનો સમાવેશ થાય છે.

ધાણા અને કોર્ન પાઉડર: ફેક્ટરીમાંથી ખુલ્લો (Loose) ધાણા પાઉડર અને કોર્ન પાઉડર મળી આવ્યો હતો. આ બંને પદાર્થોનો આશરે 6,766 કિલોગ્રામ જથ્થો સીઝ કરાયો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 8,22,620/- જેટલી થાય છે.

મરચું અને હળદર પાઉડર: આ ઉપરાંત ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ખુલ્લો મળી આવેલો મરચું પાઉડર અને હળદર પાઉડર પણ શંકાસ્પદ જણાયો હતો. આ બંનેનો આશરે 28,671 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે રૂ. 1,02,81,585/- આંકવામાં આવી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આખી કાર્યવાહી દરમિયાન કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1,11,04,205/- થાય છે.

પ્રયોગશાળાના રિપોર્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી

ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી લેવામાં આવેલા ચારેય નમૂનાઓને તાત્કાલિક ધોરણે ગુણવત્તા ચકાસણી (Quality Testing) માટે સરકારી માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ, જો તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હલકી ગુણવત્તા સાબિત થશે તો સંબંધિત પેઢી સામે 'ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ' હેઠળ કડક કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવામાં આવશે.

જન આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કોઈ ઢીલાશ નહીં: આરોગ્ય મંત્રી

આ મોટી કાર્યવાહી અંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે- રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે અત્યંત સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને નફો કમાતા તત્વોને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે આગામી દિવસોમાં પણ કડક હાથે કામ લેવાશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં આ ચકાસણી અભિયાનને વધુ વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ અને રેડ ચાલુ રહેશે તેમ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

રાજકોટના ગોંડલમાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરીને 'સત્યમ મસાલા' ફેક્ટરીમાંથી રૂ. 1.11 કરોડથી વધુની કિંમતનો 35 હજાર કિલોથી વધુ શંકાસ્પદ મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. વાંચો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું આપી કડક ચેતવણી.