સૌરાષ્ટ્ર પર જળસંકટના ઘેરા વાદળો: પાંચ જિલ્લાના 26 જળાશયોના તળિયા દેખાયા, સરેરાશ માત્ર 22 ટકા પાણી બચ્યું

દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં સરેરાશ માત્ર 4.91 ટકા જ પાણી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 01 Jun 2026 04:16 PM (IST)Updated: Mon, 01 Jun 2026 04:16 PM (IST)
saurashtra-water-crisis-reservoirs-status-in-rajkot-morbi-jamnagar-dwarka-surendranagar

Rajkot News, Saurashtra water crisis: હવામાન ખાતા દ્વારા આ વર્ષે ચોમાસુ નબળું રહેવાની અને દુષ્કાળ પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ચિંતા ઉપજાવે તેવા અહેવાલ સામે આવ્યા છે. સિંચાઇ વિભાગના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જૂન માસની શરૂઆતમાં જ રાજકોટ સહિત 5 જિલ્લાના જળાશયોમાં પાણીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

81 જળાશયોમાં સરેરાશ માત્ર 22.48 ટકા જથ્થો

રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં પાણીનું સ્તર ભયજનક રીતે ઘટી ગયું છે. આ પાંચેય જિલ્લાના કુલ 81 જળાશયોમાં મળીને હાલ સરેરાશ માત્ર 22.48 ટકા જ જળ જથ્થો બચ્યો છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે 81 પૈકી 26 જળાશયો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.

આ ઉપરાંત 34 જળાશયો તો એવા છે જેમાં પાણીનું સ્તર 10 ફૂટથી પણ ઓછું રહી ગયું છે, અને તેમાં કાંકરા ઉડી રહ્યા છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમ આજી-1 અને ન્યારી-1 માં પણ માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે.

જિલ્લાવાર જળાશયોની સ્થિતિ પર એક નજર

  • દેવભૂમિ દ્વારકા (સૌથી ખરાબ સ્થિતિ)

દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં સરેરાશ માત્ર 4.91 ટકા જ પાણી છે. જેમાં સાની, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, સેઢા ભાડથરી, સીંધણી, કાબરકા એમ સાત જળાશયો ઝીરો લેવલે છે. જ્યારે ઘી ડેમ, વેરાડી-1, મીણસાર એમ ત્રણ જળાશયોમાં 10 ફૂટથી ઓછું પાણી છે. માત્ર બે જળાશયોમાં જ પાણી બચ્યું છે.

  • જામનગર જિલ્લાના જળાશયો

કુલ 21 જળાશયોમાં સરેરાશ 18.12 ટકા પાણી બચ્યું છે. અહીના 8 જળાશયો સંપૂર્ણ ખાલી છે. જ્યારે સપડા, ફૂલઝર-2, વીજરખી, ડાઇમીણસાર વગેરે જેવા કુલ 9 ડેમમાં 10 ફૂટથી ઓછું પાણી છે.

  • સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો

સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 11 જળાશયોમાં 19.44 ટકા જળ જથ્થો છે. અહીંના નાયકા, લીંબડી ભોગાવો સહિતના પાંચ જળાશયોમાં 10 ફૂટથી ઓછું પાણી છે, અને અન્ય 7 જળાશયો ઝીરો લેવલે પહોંચી ગયા છે.

  • મોરબી જિલ્લાના જળાશયો

મોરબી જિલ્લાના કુલ 10 જળાશયોમાં 31.58 ટકા પાણી સંગ્રહીત છે. ઘોડાધ્રોઇ ડેમમાં બિલકુલ પાણી નથી, જ્યારે ડેમી-1 અને બ્રાહ્મણી-2 માં 10 ફૂટથી ઓછું પાણી છે.

  • રાજકોટ જિલ્લાના જળાશયો

રાજકોટ જિલ્લાના કુલ 27 જળાશયોમાં કુલ 36.18 ટકા પાણી છે. વધુમાં, છાપરવડી-1 અને 2, ઇશ્ર્વરીયા, કરમાળ, ગોંડલી એમ અન્ય જળાશયો સાવ સુકાઈ ગયા છે. આ ઉપરાંત 10 જેટલા જળાશયોમાં 10 ફૂટથી ઓછું પાણી છે.

ચોમાસાની શરૂઆત પહેલા જ સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ સત્તાવાર આંકડા દર્શાવે છે કે, જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટે ભયંકર હાલાકીનો સામનો કરવો પડી શકે છે.