Mohan Bhagwat Rajkot visit: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાતે છે. મોહન ભાગવતનું રાજકોટના સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે. તેઓ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
શ્રેણીબદ્ધ વાર્તાલાપનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ
આ મુલાકાત દરમિયાન ડૉ. મોહન ભાગવત કોઈ જાહેર સભાને સંબોધવાના નથી, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ સંવાદ કરશે. આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ડૉ. મોહન ભાગવત સમાજ પ્રબોધક અને પ્રેરક વ્યક્તિત્વો સાથે વ્યક્તિગત તેમજ શ્રેણીબદ્ધ વાર્તાલાપ કરશે.
RSS શતાબ્દી વર્ષની ઉજવણી
ખાસ કરીને સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કરાયેલા ’પંચ પરિવર્તન’ના વિષયો પર ભાર મૂકવામાં આવશે. જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર સૌરાષ્ટ્રભરના વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓ સાથે તેઓ ઊંડું ચિંતન અને સંવાદ કરશે.
આ પણ વાંચો: જસદણમાં પુત્રની હત્યા કરનાર પિતાને આજીવન કેદ, માતાની જુબાનીના આધારે કોર્ટે આપ્યો મહત્ત્વનો ચૂકાદો
ગુજરાત સાથે જૂનો અને પારિવારિક નાતો
ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહન ભાગવતનો ગુજરાત સાથે જૂનો અને પારિવારિક નાતો રહ્યો છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવતે ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વનું દાયિત્વ વહન કર્યું હતું. 11 સપ્ટેમ્બર, 1950ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે જન્મેલા મોહન ભાગવત બાળપણથી જ સંઘના સ્વયંસેવક રહ્યા છે.
21 માર્ચ, 2009થી સરસંઘચાલક પદે કાર્યરત
નાગપુર વેટરનરી કોલેજમાંથી પશુચિકિત્સકનો (BVSC) અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, 1975થી તેઓ પ્રચારક તરીકે રાષ્ટ્રકાર્યમાં જોડાયા. અકોલા, નાગપુર અને બિહાર ક્ષેત્રમાં વિવિધ જવાબદારી નિભાવ્યા બાદ 21 માર્ચ, 2009 થી તેઓ સરસંઘચાલક તરીકે સંગઠનનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેમણે ’યશસ્વી ભારત’ અને વર્તમાન સમયમાં હિંદુત્વની પૃષ્ઠભૂમિ જેવા પુસ્તકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
