સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ પોલ આંદોલન મુદ્દે કેન્દ્રીય મંત્રીનું નિવેદન; 'ખેડૂતોની કિંમતી જમીનમાં પોલ નખાય તો વળતર મળવું જ જોઈએ'

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનોમાં પાવર લાઈનના મસમોટા ટાવરો અને વીજ પોલ ઊભા કરવા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 18 Jun 2026 03:27 PM (IST)Updated: Thu, 18 Jun 2026 03:27 PM (IST)
rajkot-news-union-minister-ramdas-athawale-says-farmers-must-be-compensated-for-power-poles-installed-on-their-land

Rajkot News: સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો દ્વારા પોતાની જમીનોમાં ગેરકાયદેસર રીતે અથવા સંમતિ વિના નાખવામાં આવતા વીજ પોલ (ખંભાઓ) સામે ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોના પડખે ઊભા રહીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો ખેડૂતોની કિંમતી જમીનમાં વીજ પોલ નાખવામાં આવે, તો તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ.

ખેતીની જમીન પર વીજ પોલનો થઇ રહ્યો છે વિરોધ

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનોમાં પાવર લાઈનના મસમોટા ટાવરો અને વીજ પોલ ઊભા કરવા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને લઈને ગુજરાત સરકારના સ્થાનિક મંત્રીઓ અને નેતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે મૌન સેવવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રીએ આ વિષય પર ખુલ્લેઆમ નિવેદન આપતા રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે.

કંપનીઓએ તેમને નિયમાનુસાર વળતર ચૂકવવું ફરજિયાત છે

રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી રામદાસ આઠવલેએ ખેડૂતોની ચિંતા વ્યાજબી ઠેરવી હતી. તેમણે પાવર પ્રોજેક્ટ કંપનીઓ તરફ ઈશારો કરતા જણાવ્યું કે, ખેડૂતો દેશના અન્નદાતા છે અને વિકાસના નામે તેમની જમીનોને નુકસાન ન પહોંચવું જોઈએ. જો કોઈ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવે છે, તો કંપનીઓએ તેમને નિયમાનુસાર વળતર ચૂકવવું ફરજિયાત છે. આ ગંભીર મામલે હું પોતે અદાણી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર (MD) સાથે સીધી વાતચીત કરીશ અને ખેડૂતોના પ્રશ્નનો ન્યાયી ઉકેલ લાવવા માટે પ્રયાસ કરીશ.

ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ખેડૂતોના પક્ષમાં બેટિંગ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો ખેડૂતોની કિંમતી જમીનમાં વીજપોલ નાખવામાં આવતા હોય, તો તેમને યોગ્ય અને પૂરતું વળતર મળવું જ જોઈએ. ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. આ આંદોલન અને ખેડૂતોની નારાજગીને ધ્યાને લેતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ મામલો ઘણો સંવેદનશીલ છે. ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલ માટે તેઓ વ્યક્તિગત રીતે અદાણી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સાથે સીધી વાતચીત કરશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે યોગ્ય રસ્તો કાઢશે.

એક તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની જમીન બચાવવા અને યોગ્ય વળતર મેળવવા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, જેના પર રાજ્ય સરકારના સ્થાનિક મંત્રીઓએ મૌન સેવ્યું છે. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રીએ સીધું જ ખેડૂતોના સમર્થનમાં નિવેદન આપતા અને અદાણી ગ્રુપ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપતા હવે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

ઇઝરાયેલ શાંત રહે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી

રાજકોટ, ગુરૂવાર વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવની સીધી અસર સામાન્ય જનજીવન અને અર્થતંત્ર પર જોવા મળી રહી છે. આ અંગે વાતચીત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ તે માટે વૈશ્વિક સ્તરે શાંતિ હોવી અનિવાર્ય છે.

આઠવલેએ સ્વીકાર્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશના અર્થતંત્રને મજબૂત રાખવા માટે કેટલાક કડક પગલાં લેવા જરૂરી બન્યા હતા, જેના કારણે જનતાને થોડી તકલીફ પડી છે.

વૈશ્વિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, હાલ પૂરતું યુદ્ધ અટક્યું હોય તેમ લાગી રહ્યું છે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ નીચે આવ્યા છે. પરંતુ આ યુદ્ધ ક્યારે ફરી ભડકી જશે તે કહેવું મુશ્કેલ છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ઈરાન બંને આ બાબતે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં બંને પક્ષો વચ્ચે એક સમજૂતી સધાઈ હોય તેવું જણાય છે, જેના કારણે યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે.

જો ઇઝરાયેલ કોઈ ગેરસમજ કે ઉશ્કેરણીજનક પગલું ભરશે, તો ફરીથી યુદ્ધ શરૂ થવાનું જોખમ વધી જશે. જો ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન પણ વળતો પ્રહાર કરશે, જેનાથી વૈશ્વિક બજાર ફરી અસ્થિર બનશે. આથી ટ્રમ્પ સાહેબે ઇઝરાયેલને સમજાવવાની જરૂર છે. જો વૈશ્વિક સ્તરે હવે કોઈ નવું યુદ્ધ નહીં થાય, તો ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે અને જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે.