Loading...

Rajkot News:રાજકોટમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ'અંતર્ગત 1500 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ: વધુ 1 આરોપીની ધરપકડ

આ સાથે જ આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓનો આંકડો 16 પર પહોંચી ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 04 Apr 2026 11:54 PM (IST)Updated: Sat 04 Apr 2026 11:54 PM (IST)
rajkot-news-suspicious-transactions-worth-rs-1500-crore-exposed-under-operation-mule-hunt-in-rajkot-1-more-accused-arrested-721808

Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. APMC સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને આચરવામાં આવેલા આ કૌભાંડમાં પોલીસે સાવરકુંડલાના મનીષ ચોલેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓનો આંકડો 16 પર પહોંચી ગયો છે. પોલીસ તપાસમાં 1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓ ઝડપાયા. ખાતાઓમાં 1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો અને 23 કરોડથી વધુની સાઇબર ફ્રોડની રકમ જમા થઈ હોવાનો ઘટસ્ફોટ. આરોપી દ્વારા 7 જેટલી જુદી જુદી પેઢીઓના નામે ખાતા ખોલાવ્યા, જેમાં 80 કરોડથી વધુની રકમ જમા થઈ. 1 લાખ રૂપિયા દીઠ 450 રૂપિયાનું કમિશન; મનીષ ચોલેરાને અત્યાર સુધીમાં 36 લાખનું કમિશન મળ્યું. અગાઉ પકડાયેલ આરોપી હિરેન લીંબાસીયા 1 વર્ષમાં 16 વખત દુબઈ બેંક કીટ આપવા ગયો હોવાનો ખુલાસો.

બોગસ પેઢીઓ અને 46 બેંક એકાઉન્ટની જાળ
સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા ગોંડલ, પડધરી, સાવરકુંડલા, લાઠી, બાબરા અને રાજકોટ સહિતની APMC સાથે સંકળાયેલી પેઢીઓના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડિંગ કોર્પોરેશન, વ્રજ એન્ટરપ્રાઈઝ, શ્રી વલ્લભ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી અને રાધારમણ એન્ટરપ્રાઇઝ જેવી 7 જેટલી પેઢીઓના નામે આ ખેલ ચાલતો હતો. અત્યાર સુધીમાં 46 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં 250થી વધુ શંકાસ્પદ એન્ટ્રીઓ પર ઊંડી તપાસ ચાલી રહી છે. સાયબર હેલ્પલાઇન 1930 પર આ ફ્રોડ સંબંધિત દેશભરમાંથી 219 જેટલી ફરિયાદો મળી ચૂકી છે.

હાલમાં પકડાયેલ આરોપી મનીષ ચોલેરા અગાઉ ઝડપાયેલા મનીષ કમાણી અને વિવેક ભાલીયાના સીધા સંપર્કમાં હતો. આ આરોપીઓ જુદી-જુદી પેઢીઓના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરાવતા હતા. 1 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર મનીષને 450 રૂપિયા કમિશન મળતું હતું. પોતાનું કમિશન કાપીને તે બાકીની રકમ રોકડમાં આગળની ચેનલને ટ્રાન્સફર કરી દેતો હતો. 80 કરોડના ટ્રાન્ઝેક્શન પર તેને અંદાજે 36 લાખથી વધુનું કમિશન મળ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે.

દુબઈ કનેક્શન અને 16 વિદેશ પ્રવાસો

આ કેસમાં અગાઉ હિરેન લીંબાસીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તપાસમાં ખુલ્યું છે કે હિરેને માત્ર એક વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ કર્યો છે અને મોટાભાગે તે દુબઈમાં બેંક એકાઉન્ટની 'કીટ' સપ્લાય કરવા જતો હતો. દુબઈમાં તે કોને મળતો હતો અને કોને આ કીટ આપતો હતો તે જાણવા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

આ કૌભાંડના વિશાળ વ્યાપને જોતા રાજ્ય સરકારની મદદથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. CA દ્વારા તમામ બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ રકમમાંથી સાયબર ફ્રોડ, ગેમિંગ ફંડ, GST ચોરી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નું પ્રમાણ કેટલું છે. જો તપાસમાં આર્થિક ગેરરીતિ સાબિત થશે, તો તાત્કાલિક ધોરણે GST વિભાગને પણ રિપોર્ટ સોંપીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ આ રેકેટમાં જોડાયેલા અન્ય ફરાર આરોપીઓને શોધી રહી છે.