Rajkot News: ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થતાં આ મામલે હત્યાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ બાળકનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. બીજી તરફ આ મામલે હત્યા તેનાં જ પિતાએ જ કર્યાની શંકા વ્યકત કરવામાં આવી છે. આરોપીને પોલીસે સકંજામાં લીધો છે. આ બનાવમાં સકમંદ પિતાએ પાડોશીએ પુત્રની હત્યા કર્યાનો આક્ષેપ કરતાં આ મામલે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી બનાવની સત્ય હકીકત જાણવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના ભાડલાના પારેવડા ગામે રહેતાં પાંચ વર્ષના ઉમેશ વિજયભાઈ વાળા નામના બાળકનું શંકાસ્પદ મોત થયું હોય આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં ઉમેશના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઉમેશની માતા કાજલબેને પુત્રની હત્યા તેના પતિ વિજય ભલાએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. કાજલબેને પોલીસને જણાવ્યું કે, તેનો પતિ અવારનવાર દારૂ પીને તેની સાથે ઝઘડો કરતો હોય બે દિવસ પહેલા પણ વિજયએ કાજલને માર મારતાં કાજલ પુત્ર ઉમેશને પારેવડા ગામે મુકી આટકોટ ખાતે પોતાના સગાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.
બે દિવસ પહેલા પણ વિજયએ દારૂ પીને પોલીસમાં પકડાઈ ગયો હતો. વિજય અવારનવાર કાજલ સાથે ઝઘડો કરી કહેતો હતો કે ‘મારે મારા દિકરા ઉમેશની હત્યા કરી નાખવી છે અને આરોપ તારા ઉપર નાખવો છે.’ આટકોટ ગયેલી કાજલને પુત્ર ઉમેશના મોતની જાણ કરવામાં આવતાં તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ મામલે કાજલે હત્યામાં તેના પતિ વિજય ઉપર શંકા વ્યકત કરી હતી.વિજયે પોલીસ સમક્ષ ઉમેશના પાડોશી રણજીત રાજા વાળાએ ગળેફાંસો આપી હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિજય કાજલની હત્યા કરવા માટે બે દિવસથી કાતર લઈને ફરતો હતો.
રાજકોટનાં વીવીપી કોલેજ નજીક નડવાજળી રહેતી કાજલ અને વિજય વચ્ચે સાત વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયા બાદ બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધા હતાં. કાજલના માવતર મેટોડા ખાતે રહે છે. આ ઘટનામાં ભાડલા પોલીસ મથકના પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે વિજયને સકંજામાં લીધો છે અને હત્યા મામલે તપાસ શરૂ કરી આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
