Loading...

Rajkot: જંગલેશ્વરમાં કલેક્ટરના કાનૂની જંગ વચ્ચે RMCની ડિમોલિશનની તૈયારી, દબાણો દૂર કરવા કેવિએટ દાખલ કરી

જંગલેશ્વરમાં 15.00 મીટરના ટી.પી. રોડ પર આસામીઓ દ્વારા રહેણાંક અને વ્યવસાયિક દબાણો કરવામાં આવ્યા. અગાઉ દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 06 Feb 2026 05:21 PM (IST)Updated: Fri 06 Feb 2026 05:21 PM (IST)
rajkot-news-high-court-order-halts-action-on-collector-plots-amid-jungleshwar-anti-encroachment-drive-687057
HIGHLIGHTS
  • ટી.પી. સ્કીમ નંબર 6માં રસ્તો પહોળો કરવા માટે દબાણ હટાવવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

Rajkot: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં અને ટી.પી. સ્કીમ નંબર 6 હેઠળના વિવિધ પ્લોટ પર વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની ઝુંબેશમાં હાલ નવો વળાંક આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, જે પ્લોટ પર અતિક્રમણ દૂર કરવાનું આયોજન હતું, તે પૈકીના બે પ્લોટ જે કલેક્ટર હસ્તક આવે છે, તેના પરની કામગીરી ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે સ્થગિત રાખવામાં આવી છે.

જંગલેશ્વરના ડિમોલિશનના અસરગ્રસ્તોની અરજીનો જ્યાં સુધી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યૂનલ તરફથી નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી તંત્રને રૂૂકજાવનો આદેશ અપાયો છે. જો કે હવે કોર્પોરેશને બુલઝોર ફેરવવાનું મન બનાવ્યું હોય તેમ જંગલેશ્વર વિસ્તારમાં 15.00 મીટરના ટી.પી. રોડના દબાણ દૂર કરવા બાબતે રાજકોટ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે.

વોર્ડ નં. 16 ના જંગલેશ્વર વિસ્તારમાં 15.00 મીટરના ટી.પી. રોડ જે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના છે, તેના પર કોર્પોરેશન દ્વારા કાયદાકીય કવચ મેળવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. RMCએ તકેદારીના ભાગરૂપે પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ’કેવીએટ’ દાખલ કરી છે. આ કેવીએટનો મુખ્ય હેતુ એ છે કે જો આ પ્લોટ પરના દબાણદારો અથવા કોઈ અન્ય પક્ષકાર દ્વારા મનપાની કામગીરી વિરુદ્ધ કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે, તો કોર્ટે મનપાનો પક્ષ સાંભળ્યા વગર કોઈ પણ એકપક્ષીય આદેશ આપવો નહીં.

મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વોર્ડ નં. 16 ના જંગલેશ્વર વિસ્તારમાં 15.00 મીટરના ટી.પી. રોડ પર કેટલાક આસામીઓ દ્વારા રહેણાંક અને વ્યાવસાયિક દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણદારોને અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી.

હવે જ્યારે ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દબાણદારો કાયદાનો સહારો લઈને પ્રક્રિયામાં અવરોધ ન ઊભો કરે તે માટે છખઈ એ અગાઉથી જ કોર્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. આ કાયદાકીય ગૂંચવણો વચ્ચે આગામી દિવસોમાં આ પ્લોટ પર બુલડોઝર ફરશે કે કેમ તે જોવું રહ્યું.