રાજકોટમાં અમૂલ ડેરીના મેગા પ્લાન્ટનું 70% કામ પૂર્ણ: નવેમ્બરથી ટ્રાયલ શરૂ, દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે

રાજકોટમાં આકાર લઈ રહેલા અમૂલ (GCMMF)ના અદ્યતન મેગા પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 04:06 PM (IST)Updated: Fri, 19 Jun 2026 04:06 PM (IST)
rajkot-amul-milk-plant-gadhka-completion-update

Rajkot News: સમગ્ર સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. રાજકોટમાં આકાર લઈ રહેલા અમૂલ (GCMMF)ના અદ્યતન મેગા પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી નવેમ્બર માસથી આ પ્લાન્ટનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે, જ્યારે જાન્યુઆરી 2027 આસપાસ આ પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ અમૂલ પ્લાન્ટની ક્ષમતા અને ઉત્પાદન લક્ષ્યાંક

અમૂલના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાવનગર રોડ ઉપર ગઢકા ગામ પાસે તૈયાર થઈ રહેલા અમૂલના આ વિશાળ પ્લાન્ટમાં દૈનિક 20 લાખ લિટરનું પ્રોસેસિંગ થશે, જેમાંથી દૈનિક 150 મેટ્રીક ટન મિલ્ક પાવડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

rajkot amul milk plant gadhka1

હાલ આ પ્લાન્ટમાં મશીનરીનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને ફાઇનલ ફિટિંગ તેમજ સિવિલ વર્કના અંતિમ તબક્કાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પશુપાલકોને થશે સીધો ફાયદો

આ મેગા પ્લાન્ટ કાર્યરત થવાથી સૌરાષ્ટ્રના ડેરી ક્ષેત્રમાં મોટો ક્રાંતિકારી બદલાવ આવશે:

  1. પરિવહન ખર્ચમાં મોટી બચત: અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતા દૂધને પ્રોસેસિંગ માટે ગાંધીનગર મોકલવું પડતું હતું, જે હવે નહીં કરવું પડે. આનાથી કરોડો રૂપિયાના પરિવહન ખર્ચની બચત થશે.
  2. વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ: પ્લાન્ટમાં દૂધ ઉપરાંત ઘી, બટર, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને UHT મિલ્ક જેવી કિંમતી પ્રોડક્ટ્સ ઝડપથી તૈયાર કરી બજારમાં મૂકાશે.
  3. નિકાસ માટે ઉત્તમ તક: રાજકોટથી મુંદ્રા અને કાંડલા જેવા મોટા બંદરો નજીક હોવાને કારણે અહીં તૈયાર થતી અમૂલની પ્રોડક્ટ્સને વિદેશમાં એક્સપોર્ટ કરવાની પણ સુવર્ણ તકો ઊભી થશે.

રોજગારીની નવી તકો અને ડેરી ક્ષેત્રનો વિકાસ

આગામી 5 વર્ષમાં સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદનમાં 8% નો વિકાસ થવાની અપેક્ષા છે. રાજકોટનો આ નવો પ્લાન્ટ ભવિષ્યની આ વધતી માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને નવી મજબૂતી મળશે અને હજારો લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્રના ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક વહીવટી તંત્ર પણ આ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.