Gondal girl commits suicide: ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતી આદિવાસી પરિણીતાએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. બીજી તરફ પરિણીતાની માતાનું અવસાન થતાં તેણે પિતાને ફોન કર્યો હતો. જોકે, પિતાએ વિધિમાં આવવા માટે ના પાડી દીધી હતી. આ વાતનું લાગી આવતાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની માહિતી છે.
18 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું
મળતી વિગતો મુજબ, મૃતક યુવતી ગોંડલના મોટા દડવા ગામે આલકુભાઈ દરબારની વાડીએ રહેતી અને ખેત મજૂરી કરે છે. 18 વર્ષીય યુવતીએ પોતાના વાડીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવતીએ 11 મહિના પૂર્વે જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, અને 25 દિવસ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યો છે.
માતાની અંતિમવિધિમાં આવવાની પિતાએ ના પાડી
યુવતીએ પ્રેમ લગ્ન કરતા પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. દરમિયાન યુવતીની માતાનું કેન્સરની બીમારીથી અવસાન થયું હતું. માતાની લૌકીક વિધીમાં જવા માટે યુવતીએ પિતાને ફોન કર્યો હતો. પરંતુ તેના પિતાએ યુવતીને પોતાના વતન મધ્યપ્રદેશના જામવા આવવાની ના પાડી દીધી હતી.
પિતાની વાતનું લાગી આવતા ભર્યું અંતિમ પગલું
ચાર દિવસ પૂર્વે માતાના અવસાનથી વ્યથીત યુવતીને પિતાએ ઘરે આવવાની ના પાડતા તેને લાગી આવ્યું હતું. આ વાતથી લાગી આવતા યુવતીએ વાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના અવસાનથી તેની 25 દિવસની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
