Loading...

Rajkot: સામા કાંઠા વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરી, વેપારીએ મિત્રના ઘરે રાખેલી 126 કિલો ચાંદીની લૂંટ ચલાવી તસ્કરો ફરાર

ઘરેણાના મોટા ગજાને વેપારીને લગ્નમાં જવાનું હોવાથી 50 ટચની 126 કિલો ચાંદી સુરક્ષિત રહે તે માટે મિત્રના ઘરે રાખી હતી. જ્યાં મોડી રાતે રૂમના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Feb 2026 04:58 PM (IST)Updated: Wed 04 Feb 2026 04:58 PM (IST)
filmy-style-silver-heist-in-rajkot-126-kg-silver-looted-from-friends-house-thieves-flee-685767
HIGHLIGHTS
  • સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
  • ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા, શંકાસ્પદ ક્રેટા કાર CCTVમાં કેદ

Rajkot: રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચાંદીના વેપારીને ત્યાં મકાનમાં ઘુસી ઘરમાં રાખેલી 50 ટચની આશરે 126 કિલો ચાંદીની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ચોરીના બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ચોરીના બનાવમાં ચાંદીના વેપારીએ પોતાના અન્ય એક મિત્રના ઘરે ચંપકનગરમાં આ ચાંદીનો જથ્થો સુરક્ષિત રાખ્યો હોય ત્યાં ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા સાથે DCP ક્રાઈમ જગદીશ બાગરવા, DCP ઝોન-1 હેતલ પટેલ સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરનાં સામાકાંઠે બાલક હનુમાન મંદિર નજીક પેડક રોડ પર ખત્રીની વાડી પાસે રણછોડનગરમાં બીપીનભાઈ ને ત્યાં તેમના મિત્ર જે.બી. સિલ્વરના અતુલભાઈ લીલાભાઈ પટેલે પોતાની 50 ટચની 126 કિલો ચાંદીનો જથ્થો રાખ્યો હતો, ત્યારે આ ચાંદીનો જથ્થો ચોરી થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.

આ મામલે અતુલભાઈએ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને જાણ કરી હતી. તેમજ પોલીસને જાણ કરતાં બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વાઘેલા સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, સામાકાંઠે રહેતા ચાંદીના મોટા વેપારી ગણાતા અતુલભાઈ લીલાભાઈ પટેલે પોતાના પાસે રહેલી ચાંદી સુરક્ષિત રાખવા માટે તેમના મિત્ર ચંપકનગરમાં રહેતા બિપીનભાઈ પટેલનો સંપર્ક કર્યો હૅતો. બિપીનભાઈ પટેલે પોતાના ઘરે આ ચાંદીનો જથ્થો સાચવીને રાખ્યો હતો.

બિપીનભાઈ કે જે ચંપકનગરમાં રહેતા હોય તેમના ઉપરના રૂમમાં કારીગરો રહે છે જ્યારે નીચેના રૂમમાં આ ચાંદીનો જથ્થો સુરક્ષીત રાખ્યો હતો. આ ચાંદીના જથ્થાને તસ્કરો ચોરી ગયા હતાં. બિપીનભાઈના ઉપરના રૂમમાં કારીગરો સૂતા હોય ત્યારે નીચેના રૂમમાં આ જથ્થો રાખ્યો હોય તે રૂમના તાળા તોડી તસ્કરો 50 ટચની 126 કિલો ચાંદી તસ્કરો ચોરી ગયા હતાં.

ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસની અલગ અલગ 10 થી વધુ ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. ક્રાઈમ બ્રાંચ સાથે સ્થાનિક બી-ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજીની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક પોલીસમાં આ મામલે અશ્વિનભાઈ લીલાભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ચોરીમાં કોઈ જાણ ભેદુ હોવાની શંકા, શંકાસ્પદ કારની તલાશ
સામાકાંઠે ચંપકનગરમાં રહેતાં બિપીનભાઈને ત્યાં થયેલી ચોરીની ઘટનામાં અતુલભાઈ લીલાભાઈ પટેલની 50 ટચ 126 કિલો ચાંદીની ચોરી થઈ હોય આ ચોરીમાં કોઈ જાણભેદૂ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

ચોરીના બનાવ બાદ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે, ત્યારે ઘટના સ્થળ આસપાસ એક ક્રેટા કાર શંકાસ્પદ હાલતમાં દેખાઈ હોય પોલીસે હાલ આ ક્રેટા કાર ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.

ચોરીમાં આ ક્રેટા કારનો ઉપયોગ થયો હોય આ ક્રેટા કાર કુવાડવા રોડ તરફથી આવતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હોય ત્યારે આ મામલે પોલીસની અલગ અલગ ટીમો આ કારની તલાસમાં લાગી છે અને આ મામલે કડી મેળવવા માટે રાજકોટ કુવાડવા હાઈવે પરનાં સીસીટીવી ફુટેજ પણ મેળવવામાં આવી રહ્યાં છે.