સૌરાષ્ટ્રવાસીઓને મોટો ઝટકો; વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના મહત્વના સ્ટેશનો કપાયા!

અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાતા રાજકોટ અને સુરેન્દ્રનગર બાકાત. સાંસદોની હરિદ્વાર ટ્રેનની માંગણી વચ્ચે હાલની સુવિધા છીનવાતા લોકોમાં રોષ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 12 Jun 2026 09:48 PM (IST)Updated: Fri, 12 Jun 2026 09:48 PM (IST)
ahmedabad-somnath-vande-bharat-route-changed-rajkot-excluded

Saurashtra Railway News: સૌરાષ્ટ્રના મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા સાબરમતી-વેરાવળ (સોમનાથ) વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાજકોટ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને ભક્તિનગર જેવા મહત્વના સ્ટેશનો આ પ્રીમિયમ ટ્રેનની સુવિધાથી વંચિત થઈ જશે. એક તરફ સાંસદોએ હરિદ્વાર માટે નવી ટ્રેનની માંગણી કરી હતી, તેની સામે હાલની સુવિધા પણ છીનવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે નવો રૂટ અને ફેરફાર?

રેલવેના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26901) હવે અગાઉના રૂટને બદલે નવા રૂટ પર દોડશે.

જૂનો રૂટ: સાબરમતી જંકશન – વિરમગામ – સુરેન્દ્રનગર – વાંકાનેર – રાજકોટ – જૂનાગઢ – વેરાવળ.

નવો રૂટ: સાબરમતી જંકશન – ગાંધીગ્રામ – ધોળકા – ધંધુકા – બોટાદ – ધોળા – ઢસા – જૂનાગઢ – વેરાવળ.

આ ફેરફારને કારણે રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા મોટા અને વ્યસ્ત સ્ટેશનો હવે આ વંદે ભારત ટ્રેનના નકશામાંથી બાકાત થઈ જશે.

સાંસદોની રિવ્યુ બેઠક અને હરિદ્વાર ટ્રેનની માંગ

તાજેતરમાં ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનની સાંસદો સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં પરસોત્તમ રૂપાલા, કેશરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા અને રાજેશ ચુડાસમા સહિતના સાંસદોએ ખાસ હાજરી આપી હતી. બેઠકમાં તમામ સાંસદોએ સૌરાષ્ટ્રના યાત્રિકોની સુવિધા માટે રાજકોટથી હરિદ્વાર સુધીની દૈનિક ટ્રેન શરૂ કરવાની માંગણી મૂકી હતી. જોકે, આ માંગણી સ્વીકારવાને બદલે રેલવેએ હાલની સોમનાથ વંદે ભારતનો રૂટ બદલી નાખતા સાંસદોના પ્રયાસો સામે પ્રશ્નો ઉભા થયા છે.

મુસાફરોની મુશ્કેલીમાં વધારો

આ નિર્ણયથી રાજકોટ શહેરને મોટું નુકસાન થયું છે. હવે રાજકોટ પાસે માત્ર એક જ વંદે ભારત ટ્રેનનો લાભ રહેશે, જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડે છે. સોમનાથ જવા માટે રાજકોટના મુસાફરો પાસે હવે કોઈ પ્રીમિયમ ટ્રેનની સુવિધા રહેશે નહીં. રેલવે દ્વારા આ નવો રૂટ કઈ તારીખથી અમલી બનશે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ રેલવેના ડેટાબેઝમાં રૂટ અપડેટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વહીવટી તંત્રના આ નિર્ણયથી સૌરાષ્ટ્રના પ્રવાસન અને ધાર્મિક યાત્રા કરતા મુસાફરોમાં નારાજગીનો માહોલ છે. આગામી દિવસોમાં આ મામલે રેલવે તંત્ર કોઈ ફેરવિચારણા કરે છે કે કેમ તે જોવું રહ્યું.