Kesar Mango Price In Porbandar Market Yard: પોરબંદરના ફળબજારમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે 'ફળોના રાજા' કેસર કેરીનું અચાનક આગમન થતાં વેપારીઓ અને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસર કેરી પોરબંદરના હનુમાનગઢ ગામના એક બગીચામાંથી બજારમાં ઉતારવામાં આવી હતી, જ્યાં હરાજી દરમિયાન પ્રતિકિલોના ઐતિહાસિક રૂ. 1251નો ભાવ બોલાયો હતો.
સોમવારે પોરબંદરના માર્કેટ યાર્ડમાં 10 કિલો કેસર કેરીનો જથ્થો વેચાણ અર્થે આવ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર, પોરબંદરના બરડા પંથકમાં છેલ્લા બે વર્ષથી વાતાવરણીય ફેરફારોને કારણે શિયાળામાં કેરી પાકવાની ઘટનાઓ બની રહી છે. જોકે, આ વર્ષે કેરીનું આગમન ગત વર્ષની સરખામણીએ 18 દિવસ મોડું થયું છે. ગત વર્ષે 27 નવેમ્બરે પ્રથમ આવક નોંધાઈ હતી, જે આ વર્ષે વિલંબિત થઈને 15 ડિસેમ્બરે જોવા મળી છે.
આ વણમોસમી પરંતુ મીઠી કેરીના આગમન પાછળનું વૈજ્ઞાનિક કારણ આપતા નાયબ બાગાયતી નિયામક કલ્પનાબેન પંચાલે જણાવ્યું હતું કે, બરડા પંથકની અમુક જમીનમાં ચૂનાનું પ્રમાણ વિશેષ હોય છે. ચૂનાના કારણે જમીનમાં ગરમી રહેતી હોવાથી અને વાતાવરણમાં થતા ફેરફારને લીધે આંબાના છોડની 'ડોરમનસી' (સુષુપ્ત અવસ્થા) બ્રેક થાય છે. આ પ્રક્રિયાથી ફ્લાવરિંગ વહેલું થાય છે અને પરિણામે શિયાળામાં જ ફળ પાકી જાય છે."
આ વર્ષે કેરી મોડી આવવા પાછળનું કારણ ચોમાસા દરમિયાનનું હવામાન હતું. સ્થાનિક વેપારી નિતિનભાઈ દાસાણીએ માહિતી આપી હતી કે જન્માષ્ટમી દરમિયાન ભારે વરસાદ અને પવનને કારણે આંબાના અગાઉના ફાલને નુકસાન થયું હતું. જોકે, મોડી આવક છતાં ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે. ગત વર્ષે શિયાળુ કેરીનો ભાવ રૂ. 800 હતો, જેની સામે આ વર્ષે માંગ અને અછતને કારણે ભાવ ઉછળીને રૂ. 1251 સુધી પહોંચી ગયો છે.
