Porbandar Japanese Miyazaki Mango Auction: ઉનાળાની સીઝન દરમિયાન ગુજરાતમાં મુખ્યત્વે કેસર અને હાફુસ કેરીની ધૂમ ખરીદી થાય છે. હાલ ઉનાળાની પૂર્ણતાના આરે છે, ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી ઐતિહાસિક હરાજીએ જબરું આકર્ષણ જગાવ્યું છે. અહીં વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ ગણાતી જાપાનીઝ અને અફઘાની કેરીઓની વેચાણ માટે હરાજી કરવામાં આવી હતી.
લાખેણી કેરીના ઉપજ્યા માત્ર રૂ. 1700
જાપાનમાં જે 'મિયાઝાકી' (Miyazaki) કેરીનો ભાવ દોઢથી ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો છે, તે વિશ્વની સૌથી મોંઘી કેરી પોરબંદરમાં માત્ર 1700 રૂપિયામાં વેચાઈ હતી. પોરબંદરમાં યોજાયેલી આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ મિયાઝાકી કેરીનું વજન આશરે 250 થી 280 ગ્રામ જેટલું નોંધાયું હતું.

નૂરજહાં અને મિયાઝાકી કેરીની હરાજી
સોરઠના એક ખેડૂતે અનોખો પ્રયોગ કરીને પ્રાકૃતિક ખેતી દ્વારા અફઘાનિસ્તાનનું મૂળ ધરાવતી 'નૂરજહાં' અને જાપાનની 'મિયાઝાકી' કેરીનું વાવેતર કર્યું હતું. હરાજીમાં મિયાઝાકી જાતની ત્રણ અને નૂરજહાં જાતની બે કેરી મૂકવામાં આવી હતી.
આ પણ વાંચો
એક જ વેપારીએ સૌથી ઊંચી બોલી લગાવીને આ તમામ કેરીઓ ખરીદી લીધી હતી. દુનિયાની સૌથી મોટી ગણાતી 3 કિલો વજનવાળી અફઘાની 'નૂરજહાં' કેરીની જાતનો એક નંગ, જેનું વજન આશરે 400 થી 450 ગ્રામ હતું, તે 350 રૂપિયામાં વેચાયો હતો.

મોંઘવારીની રમૂજ અને કેસર કેરીનો ભાવ
નોંધનીય છે કે, હાલમાં કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ રૂ. 750 થી 1000 ચાલી રહ્યો છે. લાખ રૂપિયાની કેરી માત્ર 1700 રૂપિયામાં વેચાતા લોકોમાં એવી ચર્ચા પણ જાગી હતી કે મોંઘવારીએ લોકોની ખરીદશક્તિ તોડી નાખી છે, તો આવા ખર્ચા કોણ કરે?
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગર્વનો દિવસ
આ ઐતિહાસિક હરાજી અંગે સુદામા ફ્રૂટ કંપનીના સંચાલક કેવલ દાસાણીએ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ આંકડો માત્ર એક ફળની કિંમત નથી દર્શાવતો, પરંતુ તે ભારતની પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતીની મોટી સિદ્ધિ છે. આજે જ્યારે ભારત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બની રહ્યું છે, ત્યારે આ હરાજીથી ઓર્ગેનિક પદ્ધતિથી ફળો ઉગાડતા સ્થાનિક ખેડૂતોમાં એક નવો આત્મવિશ્વાસ અને ઊર્જાનો સંચાર થશે.
