Porbandar: ગોરસર ટોલનાકા નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3 સભ્યોના મોત

પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કાર ચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 02 Jun 2026 02:42 PM (IST)Updated: Tue, 02 Jun 2026 02:42 PM (IST)
porbandar-car-and-bike-accident-near-gorsar-toll-three-people-death
HIGHLIGHTS
  • પોરબંદર ગોરસર ટોલનાકા પાસે અકસ્માત
  • દુર્ઘટનામાં એક પરિવારના 3 લોકોના મોત

Porbandar accident news: પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલનાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી સામસામેની આ ભયાનક ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકે પણ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે ગોરસર ટોલ નાકા પાસેથી આ પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

માસૂમ પુત્ર સહિત દંપતીએ ગુમાવ્યો જીવ

આ કાળમુખી કારની અડફેટે આવીને જીવ ગુમાવનાર લોકોમાં 34 વર્ષીય નઝીર જુમા સાટી, તેમની 30 વર્ષીય પત્ની રોઝીનાબેન નઝીર સાટી અને તેમના 3 વર્ષના માસૂમ પુત્ર શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. આ ત્રણેય સભ્યો એક જ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે આ ગોઝારી ઘટના ઘટી હતી.

પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માધવપુર CSC હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ આ મામલે પોલીસે સત્તાવાર ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.