Porbandar-Muzaffarpur Express Route: પૂર્વોત્તર રેલવેના વારાણસી મંડળમાં હાથ ધરાનાર ટેકનિકલ કામગીરીને કારણે પોરબંદર અને મુઝફ્ફરપુર વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનના સંચાલનમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ઉનૌલા-પિપરાઇચ રેલખંડ પર પેચ ડબલિંગ અને ઇન્ટરલોકિંગની કામગીરીને પગલે 5 જૂન, 2026ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 19269 તેના નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી દોડશે, જેની સીધી અસર ઉત્તર ભારત તરફ જતા મુસાફરો પર પડશે.
ટેકનિકલ કામગીરીને કારણે રૂટ ડાયવર્ઝન કરાયું
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રેલવે સુરક્ષા અને સંચાલન ક્ષમતા વધારવા માટે પ્રી-નોન ઇન્ટરલોકિંગ અને નોન ઇન્ટરલોકિંગ કામગીરી અનિવાર્ય બની છે. આ ફેરફાર હેઠળ ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિયમિત માર્ગ ગોરખપુર-પનિયહવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુરને બદલે ગોરખપુર-ભટની-છપરા ગ્રામિણ-મુઝફ્ફરપુર થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે.
તેવી જ રીતે, વળતી મુસાફરીમાં ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ પણ વિવિધ તારીખોએ પ્રભાવિત થશે. આ ટ્રેન 24 મે, 31 મે, 1 જૂન, 7 જૂન અને 8 જૂન, 2026ના રોજ તેના નિર્ધારિત માર્ગ મુઝફ્ફરપુર-નરકટિયાગંજ-પનિયહવા-ગોરખપુરના બદલે મુઝફ્ફરપુર-છપરા ગ્રામિણ-ભટની-ગોરખપુર માર્ગ પરથી દોડશે.
આ સ્ટેશનો પર ટ્રેન ઉભી નહીં રહે
ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ આ રૂટ ડાયવર્ઝનને કારણે ટ્રેન કેટલાક મહત્વના સ્ટેશનો પરથી પસાર થશે નહીં. મુસાફરોએ નોંધ લેવી કે આ ફેરફાર દરમિયાન સિસવા બાજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સુગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ રહેશે નહીં. તેવી જ રીતે ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ પણ ડાયવર્ઝન ગાળા દરમિયાન આ ટ્રેન મહેસી, ચકિયા, બાપુધામ મોતીહારી, સુગૌલી, બેતિયા, નરકટિયાગંજ, બગહા અને સિસવા બાજાર સ્ટેશનો પર ઊભી રહેશે નહીં.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી આયોજિત કરતા પહેલા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અથવા અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનની નવીનતમ સ્થિતિની ચકાસણી કરી લે. રેલવે તંત્ર દ્વારા આ આધુનિકીકરણની કામગીરી યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહી છે.
