Loading...

ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું, ઘેડ પંથકના ખેડૂતો માટે સંજીવની સમાન

ભાદર-2 ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી અંદાજે 16,620 ક્યુસેક જેટલું માતબર પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 18 Jan 2026 03:49 PM (IST)Updated: Sun 18 Jan 2026 03:49 PM (IST)
gujarat-govt-permission-to-release-water-from-bhadar-2-dam-for-irrigation-676072
HIGHLIGHTS
  • ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું
  • ઘેડ પંથકના 30 ગામના ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ
  • ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય

Bhadar-2 dam: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાની સચોટ રજૂઆતને પગલે સરકાર દ્વારા ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.

ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ, ભાદર-2 ડેમના (Bhadar-2 Dam) કુલ 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેમાંથી અંદાજે 16,620 ક્યુસેક જેટલું માતબર પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતાની સાથે જ સૂકી ભઠ્ઠ નદીમાં નવા નીરના વધામણા થયા હતા. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાણીનો આ પ્રવાહ છેવાડાના ગામો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

30 જેટલા ગામોને સીધો ફાયદો, 'ઘેડ' પંથક માટે સંજીવની સમાન

આ પાણી છોડવાથી ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના અંદાજે 30 જેટલા ગામોને સીધો ફાયદો થશે. આશરે 1000 હેક્ટરથી વધુ કૃષિ જમીનને પિયત માટે પાણી મળી રહેશે.

ખાસ કરીને 'ઘેડ' વિસ્તારના ખેડૂતો માટે આ પાણી સંજીવની સમાન છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, "ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં બોર કે કૂવા સફળ થતા નથી, પાણીના તળ ઊંડા હોવાથી ખેતી સંપૂર્ણપણે નદીના પાણી પર નિર્ભર છે. આવા સમયે સરકારનો આ નિર્ણય અમારા માટે આશીર્વાદ સમાન છે."

ખેડૂતોએ ધારાસભ્યનો આભાર માન્યો

ચાલુ વર્ષે શિયાળુ સિઝન જામી છે, ત્યારે ખેડૂતોએ ચણા, જુવાર અને ઘઉં જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે. આ પાકોને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત હતી. ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાનો (MLA Kandhal Jadeja) આભાર માનતા જણાવ્યું હતું કે, છેલ્લા 14-15 વર્ષથી તેમના સતત પ્રયત્નોને કારણે જ આ વિસ્તારને સમયસર સિંચાઈનું પાણી મળી રહે છે.