World No Tobacco Day, Tobacco Free Gujarat: દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' (World No Tobacco Day) ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ માટે ચાલી રહેલા સઘન પ્રયાસોના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ 'ટોબેકો ફ્રી ગુજરાત' (Tobacco-Free Gujarat) અભિયાનને મોટી સફળતા મળી રહી છે.
પ્રેરણાદાયક ઉદાહરણ: પાટણના નરેશભાઈ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિચા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ પટેલે સમાજ માટે એક અદભુત મિસાલ કાયમ કરી છે. વર્ષ 2010 માં વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત કરનાર નરેશભાઈએ આજ દિન સુધીમાં 1000 થી વધુ લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા છે. તેમની આ નિસ્વાર્થ સામાજિક સેવા બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

1000 જેટલા લોકોને વ્યસનમુક્ત કર્યા
શરૂઆતમાં તેમણે એક ગામના સરપંચને વ્યસનથી થતા નુકસાન અંગે સમજાવ્યા હતા. જેનાથી પ્રેરાઈને સરપંચે વ્યસન છોડી દીધું અને હોસ્પિટલના સ્ટાફનું મોઢું મીઠું કરાવી તેની ઉજવણી કરી હતી. આ સફળતાથી પ્રેરાઈને નરેશભાઈએ આ નિઃશુલ્ક અભિયાન હાથ ધર્યું. આજે તેઓ દરેક દર્દીને 10 મિનિટનો સમય ફાળવીને તેમની પાસે વ્યસન છોડવા માટેનું 'સંકલ્પ-પત્ર' ભરાવે છે.
વ્યસન છોડવા માટે અસરકારક ઉપાય
નરેશભાઈ તમાકુ કે મસાલાનું વ્યસન છોડવા માંગતા લોકોને કેટલાક ખૂબ જ સરળ અને મનોવૈજ્ઞાનિક ઉપાયો સૂચવે છે:
- વ્યસની મિત્રોથી હંમેશા દૂર રહેવું.
- જે રસ્તે પાન-પાર્લર આવતું હોય તે રસ્તો જ બદલી નાખવો.
- જ્યારે પણ વ્યસનની તલપ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.
- મસાલા કે તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે આદુના નાના ટુકડા પર લીંબુ અને સિંધાલૂણ (rock salt) ભેળવીને તેને મમળાવવા.
નરેશભાઈના આ પુસ્તકો, ઓડિયો-વીડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા પ્રયાસો ખરેખર ગુજરાતને 'ટોબેકો ફ્રી' બનાવવા માટે એક મોટું યોગદાન આપી રહ્યા છે.

'ટોબેકો ફ્રી ગુજરાત' અભિયાનનું પરિણામ
આરોગ્ય વિભાગની યાદી અનુસાર, ગુજરાતમાં વર્ષ 2025-26 દરમિયાન “ટોબેકો સિસેશન સેન્ટર્સ” ના માધ્યમથી તમાકુનું સેવન કરતા 2 લાખથી વધુ નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં COTPA (Cigarettes and Other Tobacco Products Act of 2003) કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ કડક કાર્યવાહી અને એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા 10,441 સરપ્રાઈઝ વિઝીટ કરી રાજ્યની 12,490 શાળાને સંપૂર્ણપણે તમાકુમુક્ત બનાવવામાં સફળતા મળી છે. શાળાઓમાં તમાકુ-સેવનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
નવા 3A મોડલનો અમલ અને સફળ પ્રયોગો
ગુજરાત સરકાર દ્વારા હવે તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દર્દીઓ માટે ખાસ 3A (Ask, Advice, Assess) મોડેલ આધારિત સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વ્યસનમુક્તિ માટે કેટલાક જિલ્લાએ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે:
- અમરેલી: અમરેલી જિલ્લાના ગામડા સમગ્ર રાજ્યમાં 'ટોબેકો ફ્રી વિલેજ' તરીકે મોડેલ બન્યા છે.
- અમદાવાદ: અમદાવાદમાં વ્યસનમુક્તિ માટે 'પિઅર કાઉન્સિલિંગ' (Peer Counselling) પ્રયોગો ખૂબ જ સફળ રહ્યા છે.
