Loading...

Patan: હારીજ-ચાણસ્મા હાઈવે પર મોપેડ સવારને બચાવવા જતાં લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત

વડીલ વંદના કાર્યક્રમમાં ભાગ લઈને વડીલો લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ITI નજીક એક્ટિવા સવાર આડો ઉતરતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 11 Jan 2026 05:33 PM (IST)Updated: Sun 11 Jan 2026 05:33 PM (IST)
patan-news-2-killed-in-bus-turn-turtle-at-harij-chanasma-highway-672320
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 18 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તમામને પાટણની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા

Patan: પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોપેડ સવારને બચાવવાના ચક્કરમાં લક્ઝરી બસ ગુલાંટ ખાઈ ગઈ છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 18 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંચ ગામ લેઉઆ પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી 37 જેટલા વડીલો લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા. તેમની લક્ઝરી હારીજ-ચાણસ્મા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ITI કૉલેજ નજીક અચાનક એક મોપેડ ચાલક વચ્ચે આવી ગયો હતો.

આથી એક્ટિવા સવારને બચાવવા જતાં લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ બેકાબુ બનેલી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ સમયે બસમા સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. જેથી તાત્કાલિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

આ બાબતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. જે પૈકી બે મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.