Patan: HNGUનો મોટો નિર્ણય, 50 ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સની 10 હજાર બેઠકો રદ

ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ ડિવિઝનોમાં બેઠકોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 12 May 2026 10:53 AM (IST)Updated: Tue, 12 May 2026 10:53 AM (IST)
patan-hngu-cancels-10000-self-finance-seats-in-granted-colleges

Patan News: ઉત્તર ગુજરાતની સૌથી મોટી હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ ડિવિઝનોમાં બેઠકોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતની યુનિ. સંલગ્ન 50 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ ડિવિઝનોની કુલ 10 હજાર જેટલી સીટો રદ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને તમામ કોલેજોને આદેશ આપ્યો છે.

હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીનો મોટો નિર્ણય

નવા નિર્ણય મુજબ, ગ્રાન્ટેડ કોલેજોમાં સરકારે મંજૂરી આપેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં સરકારની મંજૂરી વિના સેલ્ફ ફાઈનાન્સ ડિવિઝનો ચલાવવામાં આવતા હતા. હવે તેના પર યુનિવર્સિટીએ રોક લગાવી દિધી છે. હવે ગ્રાન્ટેડ કોલેજોએ વિદ્યાર્થીઓને મૂળ મંજૂર થયેલા સરકારી ડિવિઝનોમાં બેઠક પર પ્રવેશ ફાળવવાનો રહેશે.

10 હજાર સીટોમાં ઘટાડો

હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કુલ 72 કોલેજો માટે બેઠકોની ફાળવણી કરી છે. જેમાં આ બેઠકો પર વધુ 10 ટકા ઈડબલ્યુએસ બેઠકોમાં ઉમેરીને વિદ્યાર્થીઓને પ્રવેશની સૂચના આપવામાં આવી છે. આર્ટ્સમાં સેક્શન દીઠ 130 બેઠકો અને વિજ્ઞાન પ્રવાહમાં 120 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જે ગ્રાન્ટેડ કોલેજો સેલ્ફ ફાઈનાન્સ કલાસ ચલાવતી હતી. તેમને યુનિએ આ વખતે બેઠકોની મંજૂરી આપી નથી.