Patan: ગાયત્રી ફ્લેટમાં AC બ્લાસ્ટ બાદ ભયંકર આગ, રૂમમાં સૂતેલા મહિલા પોલીસકર્મી જીવતા ભૂંજાયા

પાટણના પદ્મનાથ ચોકડી નજીક આવેલા ગાયત્રી દષણ ફ્લેટમાં આ બનાવ બન્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 04 Jun 2026 09:07 AM (IST)Updated: Thu, 04 Jun 2026 09:07 AM (IST)
patan-gayatri-flat-ac-blast-and-fire-incident-female-police-surekha-chaudhary-burnt-alive
HIGHLIGHTS
  • પાટણના ફ્લેટમાં AC બ્લાસ્ટ થતા આગ
  • મહિલા પોલીસકર્મીનું આગમાં કરુણ મોત

Patan AC Blast Accident: પાટણ શહેરમાં એક અત્યંત કમકમાટીભર્યો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. શહેરના પદ્મનાથ ચોકડી નજીક આવેલા મા ગાયત્રી દષણ ફ્લેટમાં એર કન્ડિશનર (AC) અચાનક બ્લાસ્ટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘરમાં એકલા સૂતેલા મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

બપોરના સમયે ACમાં થયો જોરદાર બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા સુરેખાબેન ચૌધરી પાટણ જિલ્લા પોલીસના LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બપોરના સમયે પોતાના ઘરમાં એકલા સૂઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક ચાલુ એસીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ વિકરાળ બની

AC બ્લાસ્ટ થયા બાદ શોર્ટ સર્કિટના કારણે આખા રૂમ અને ઘરમાં ભયંકર આગ લાગી ગઈ હતી. રૂમમાં સૂતેલા સુરેખાબેનને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ગંભીર હતી કે તેમનું શરીર સંપૂર્ણપણે બળી ગયું અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

પેનલ ડોક્ટરો દ્વારા PM અને FSL તપાસ

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા વિગતવાર પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે.

AC બ્લાસ્ટ કયા કારણોસર થયો તેના ચોક્કસ ટેકનિકલ કારણો જાણવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ દુર્ઘટના ગેસ લીકેજના કારણે સર્જાઈ કે પછી હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ, તે તમામ દિશાઓમાં FSL અને નિષ્ણાત ટીમોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.