Loading...

પાવાગઢ શક્તિપીઠમાં આસ્થાનું ઘોડાપૂર: ચૈત્રી આઠમે લાખો માઈભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું મહાકાળી ધામ

હાલોલથી પાવાગઢ સુધીના માર્ગો પર વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 27 Mar 2026 09:16 AM (IST)Updated: Fri 27 Mar 2026 09:16 AM (IST)
pavagadh-on-chaitri-atham-a-flood-of-faith-took-place-in-shaktipeeth-mahakali-dham-resonated-with-sounds-of-lakhs-of-devotees-of-mai-716251

Pavagadh: ચૈત્રી નવરાત્રીના આઠમના પાવન અવસરે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો હતો. ડુંગર પર બિરાજમાન માં કાલિકાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર પાવાગઢ પંથક 'જય માતાજી' અને 'જય મહાકાળી'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.

શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય હવનનું આયોજન

પાવાગઢ શક્તિપીઠમાં ચૈત્ર સુદ આઠમનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. પરંપરા મુજબ મંદિર પરિસરમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૩:૦૦ કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશબાબુએ પત્ની સાથે ઉપસ્થિત રહીને હવનની પૂજા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ ધાર્મિક મહોત્સવમાં શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્રકાકા, અશોકભાઈ પંડ્યા અને વિનોદભાઈ વરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ અને પાવાગઢ પી.આઈ. એ.બી. વોરાએ પણ હવનમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી.

દેશભરમાંથી ઉમટ્યા માઈભક્તો

માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી પણ લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા હતા. કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર અનેક માઈભક્તો હાથમાં ધજા અને રથ લઈને પગપાળા યાત્રા કરી માતાજીના દ્વારે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની લાંબી કતારોને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનની વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

સેવાભાવી સંસ્થાઓનો સહયોગ

હાલોલથી પાવાગઢ સુધીના માર્ગો પર વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે ઠંડુ પાણી, શરબત, ભોજન અને વિશ્રામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.