પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ગબડતાં યાત્રિકો દટાયા, 2 મૃતદેહ મળ્યા; બચાવ કામગીરી ચાલુ

વરસાદના કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 09:16 AM (IST)Updated: Fri, 19 Jun 2026 11:39 AM (IST)
panchmahal-news-pavagadh-rockfall-accident-pilgrims-dead-rescue-operation

Pavagadh Rockfall Accident: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન (Landslide) જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડુંગર પરથી મોટા પથ્થરો ગબડતા કેટલાક યાત્રિકો દબાઈ ગયા છે, જેમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પાટિયાપુલ નજીક વહેલી સવારે સર્જાઈ ઘટના 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના વહેલી સવારે 5 વાગ્યાના સુમારે બની, જ્યારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ચઢી રહ્યા હતા. પાટિયાપુલ નજીક અચાનક ડુંગર પરથી પથ્થરો અને કાટમાળ ધસીને નીચે ગબડવા લાગ્યા હતા. સતત ભારે વરસાદને કારણે જમીન એકદમ પોચી પડી ગઈ હોવાથી પથ્થરો ઝડપથી નીચે પડી રહ્યા હતા. જેના કારણે નીચેથી પસાર થઈ રહેલા યાત્રિકોને બચવાની કોઈ તક મળી ન હતી.

Pavagadh Rockfall Accident 1

અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળ્યા

પાવાગઢ ખાતે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પહાડ પરથી ભારે પથ્થરો પડતા કેટલાક શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી બે યાત્રિકોના મૃતદેહ મળ્યા છે, હજુ પણ કેટલાક લોકો પથ્થરો નીચે દબાયેલા હોવાની આશંકા છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

Pavagadh Rockfall Accident 3

ગબડતા પથ્થરોની ઝપેટમાં આવ્યા યાત્રિકો

ડુંગર પરથી પડી રહેલા પથ્થરોની ઝપેટમાં કેટલાક યાત્રિકો આવી ગયા હતા. આ જીવલેણ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાહટ અને દોડધામ મચી ગઈ હતી. આ કુદરતી હોનારતની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પાવાગઢ પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબડ્યા હોવાનું અનુમાન છે.

Pavagadh Rockfall Accident 2

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી 

સ્થિતિની ગંભીરતા અને જોખમને જોતા રોપ-વેની ટેકનિકલ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતીહાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી (Rescue operation) પૂરજોશમાં ચાલી રહી છે. પથ્થરો અને કાટમાળ નીચે અન્ય કોઈ યાત્રિક દબાયેલું છે કે કેમ, તે શોધવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

યાત્રિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ

વરસાદના કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે યાત્રિકોને ભારે વરસાદ દરમિયાન ડુંગર ચડતી વખતે સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે