Panchmahal News: પંચમહાલના મોરવા હડફમાં બળદે હુમલો કરતા લાખડું પશુપાલકની આંખમાં ખૂંચી ગયું હતું. ગંભીર હાલતમાં પશુપાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બળદને છોડવા ગયા એ સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોટા બામણા ગામમાં 63 વર્ષીય પશુપાલક ગણપતભાઇ કાળુસિંહ રહે છે. રોજની જેમ તેઓ પશુઓની સારસંભાળ કરી રહ્યાં હતા. જે દરમિયા તેઓ બળદને ખીલેથી છોડવા માટે ગયા હતા. બળદને છોડતી વખતે અચાનક બળદ ભડક્યો હતો અને ગણપતભાઇ પર હુમલો કર્યો હતો.
અચાનક ભડકેલા બળદ દ્વારા હુમલો કરવામાં આવતા ગણપતભાઇની આંખમાં લાકડાનો ટૂકડો ખૂંપી ગયો હતો અને તેઓ નીચે ઢળી પડ્યાં હતા. બળદે હુમલો કર્યો હોવાની પરિવારને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગણપતભાઇને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી.
આંખના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી અને તેમની હાલત નાજૂક જણાઇ આવી હતી. તાત્કાલિક સારવાર અને ઓપરેશનની જરૂર જણાતા ગોધરા સિવિલથી અમદાવાદ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
