કાલોલના ભાદરોલીમાં સગા ભાઈની કરપીણ હત્યા: ભાભી સાથેના આડાસંબંધમાં પિતરાઈએ લાશના ટૂકડા કરી દાટી દીધા

પંચમહાલના કાલોલના ભાદરોલી ગામે પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિ રાજેશ સોલંકીની ક્રૂર હત્યા કરી લાશ કોતરમાં દાટી દીધી. પોલીસે ભેદ ઉકેલી બંનેની ધરપકડ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 11 Jun 2026 09:36 AM (IST)Updated: Thu, 11 Jun 2026 10:18 PM (IST)
panchmahal-kalol-bhadroli-wife-killed-husband-with-lover-body-found-in-pit

Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે ‘પતિ, પત્ની ઔર વો’ ના ચક્કરમાં એક લોહીયાળ પારિવારિક ડ્રામા સામે આવ્યો છે. મોટાભાઈની પત્ની (ભાભી) સાથેના આડાસંબંધોને અંજામ આપવા માટે પિતરાઈ ભાઈએ સગા મોટાભાઈની ઘાતકી હત્યા કરી નાખી હતી.

એટલું જ નહીં, પાપ છુપાવવા માટે લાશના હાથ-પગ કાપી, ટુકડા કરી, મીઠું નાખીને દાટી દીધી હતી અને બંને પ્રેમીયુગલ ફરવા ઉપડી ગયા હતા. પોલીસે આ ચકચારી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કરીને હત્યારા ભાઈ અને પત્નીની ધરપકડ કરી છે.

ભાઈ લાપતા થતાં ભાંડો ફૂટ્યો

ભાદરોલી બુઝર્ગ ગામના રાજેશભાઈ નરવતસિંહ સોલંકી (૩૫) તેમની પત્ની શિલ્પાબેન અને ૫ વર્ષના પુત્ર સાથે રહેતા હતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત 4 જૂનથી રાજેશભાઈ અચાનક લાપતા થયા હતા. તેઓ નોકરી પર ન જતાં કંપનીના કોન્ટ્રાક્ટરે ઘરે માણસ મોકલી તપાસ કરાવી હતી.

નાનાભાઈએ શોધખોળ કરી પરંતુ રાજેશભાઈનો કોઈ પતો લાગ્યો નહોતો. આ દરમિયાન મોટાભાઈ ની પત્ની શિલ્પા અને પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકી પણ ગાયબ જણાતા નાનાભાઈને શંકા ગઈ હતી. આથી તેમણે કાલોલ પોલીસ સ્ટેશનમાં ભાઈ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી ભાભી અને પિતરાઈ ભાઈ વચ્ચેના આડાસંબંધો અંગે શંકા વ્યક્ત કરી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો

પોલીસે શંકાના આધારે 9મી જૂને ગામમાં પરત ફરેલા પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકીને કસ્ટડીમાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના કડક વલણ સામે ધર્મેન્દ્ર વધુ સમય ટકી શક્યો નહીં અને સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી દીધી હતી. ધર્મેન્દ્રએ જણાવ્યું કે તેને તેની ભાભી શિલ્પા સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતે રાજેશ અવારનવાર શિલ્પા સાથે ઝઘડો કરતો હતો. આથી શિલ્પાએ ધર્મેન્દ્ર પર રાજેશને રસ્તામાંથી હટાવી દેવા દબાણ કર્યું હતું.

હત્યાની ભયાનક કહાની

ગત 4 જૂનની રાત્રે ધર્મેન્દ્ર રાજેશને ફોસલાવીને ગામના મોટા તળાવ પાસેના ખેતર તરફ લઈ ગયો હતો. ત્યાં લાગ જોઈને તેણે રાજેશના માથાના પાછળના ભાગે ઈંટ મારી દીધી હતી અને ત્યારબાદ તળાવના જૂના ચેકડેમના પથ્થર પર માથું પછાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ ધર્મેન્દ્રએ શિલ્પાને વાત કરતાં શિલ્પાએ લાશને દાટી દેવા કહ્યું હતું.

બીજા દિવસે રાત્રે ધર્મેન્દ્રએ લાશનો નિકાલ કરવા માટે તેના હાથ-પગ કાપી ચાર ટુકડા કરી નાખ્યા હતા અને ચેકડેમ નજીક ખાડો ખોદી, લાશ જલ્દી ઓગળી જાય તે માટે મીઠું નાખીને તેને દાટી દીધી હતી. આ કરપીણ કૃત્ય કર્યા બાદ બંને પ્રેમીઓ બહાર ફરવા જતા રહ્યા હતા.

પોલીસે લાશ બહાર કાઢી

આરોપીની કબૂલાતના આધારે કાલોલ પોલીસ અને મામલતદારની હાજરીમાં ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખાડામાંથી રાજેશ સોલંકીની ટુકડા કરેલી લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરા ખાતે કરાયેલા પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

હાલ કાલોલ પોલીસે હત્યારા પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર અર્જુનભાઈ સોલંકી અને પત્ની શિલ્પાબેન સોલંકીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.