Halol woman murder case: હાલોલ તાલુકાના કંજરી ગામના અને હાલ ચંદ્રપુરા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની પત્નીનું અગમ્ય કારણોસર થયેલું મોત આખરે હત્યા હોવાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલ આ બનાવમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
હાલોલમાં મહિલાના મોતનો ચકચારી કિસ્સો
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના હર્ષદ અજીતભાઈ પરમારે વર્ષ 2016માં કંજરી ગામમાં જ રહેતી શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ હર્ષદ ચંદ્રપુરા GIDC માં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો, અને પરિવાર સાથે કંપનીની રૂમમાં રહેતો હતો. દંપતિને બે સંતાન પણ હતા. જોકે લગ્નજીવન દરમિયાન હર્ષદ અને શિલ્પા વચ્ચે અવારનવાર કંકાસ થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
શંકાસ્પદ સંજોગમાં થયું મોત, PM રિપોર્ટમાં સત્ય સામે આવ્યું
ગત 7 જાન્યુઆરીના રોજ શિલ્પાનું અચાનક મોત થતા પરિવાર અને આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં હાલોલ શહેર પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. શરૂઆતમાં મોતના કારણ અંગે શંકા ન હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતા સ્પષ્ટ થયું કે શિલ્પાનું મોત ગળુ દબાવવાના કારણે થયું છે.
હત્યાને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ
રિપોર્ટના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. તપાસ દરમિયાન દંપતી વચ્ચે ચાલતા વિવાદ, ઘટનાના સમયે પતિની હાજરી અને વર્તણૂકને લઈ પોલીસને શંકા ગઈ હતી. હર્ષદની કડકાઈથી પૂછપરછ કરતા તેણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી બાદમાં તેને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આરોપી પતિ સામે કરી કાર્યવાહી
તપાસમાં વધુમાં ખુલ્યું કે હત્યાના સમયે આરોપીએ કંપનીમાં લાગેલા CCTV કેમેરા પણ બંધ કરી દીધા હતા, જેથી ઘટના અંગે કોઈ પુરાવા ન મળે. જોકે, પોલીસની સતર્ક તપાસ અને પૂછપરછના કારણે આખરે હત્યાનો ભેદ ખુલ્યો હતો. હાલોલ શહેર પોલીસે આરોપી હર્ષદ અજીતભાઈ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવે વિસ્તારમાં ચકચાર ફેલાવી છે.
