Loading...

ઠાકોર સમાજમાં ડીજે મામલે વિવાદ, ગબ્બર ઠાકોરને મળ્યું વિક્રમ ઠાકોરનું સમર્થન, કહ્યું- આપણી બાજુ ડીજે બંધ નહીં થાય

વિક્રમ ઠાકોરે કહ્યું કે, ડીજેના જે કલાકારો હતા તે બિચારા ઘરે બેસી ગયા છે. જે આગેવાનોએ બંધારણ કર્યું છે એ લોકોને ખબર નથી કે ડીજે એટલે શું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 12:59 PM (IST)Updated: Fri 06 Feb 2026 02:43 PM (IST)
thakor-samaj-dj-controversy-gujarati-actor-vikram-thakor-supports-gabbar-thakor-686817

Thakor Community Controversy: થોડા દિવસ પહેલા ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં ગબ્બર ઠાકોરના ડીજેના કાર્યક્રમને લઇને વિવોદ વકર્યો હતો અને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જોકે આ વિવાદે હવે વધારે વેગ પકડ્યો છે અને ઠાકોર સમાજમાં બે ફાંટા પડી રહ્યા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે. ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરે અગાઉ પણ આ અંગે વિચાર કરવા માટે જણાવ્યું હતું અને હવે તે ખુલીને ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છેકે આપણી બાજુ ડીજે બંધ નથી થવાનું. જો કોઇ બંધ કરાવે તો મને કહેજો.

ગેનીબેન એવું કહેતા હતા કે મે બંધારણ નથી ઘડ્યુંઃ વિક્રમ ઠાકોર

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તે નાત બહાર મુકાયેલા ગબ્બર ઠાકોરને સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ગબ્બર ઠાકોરને નાત બહાર મુકી દીધા છે. તેમણે કંઇક ડીજે કર્યું હતું. જ્યારે ઠાકોર સમાજનું સેક્ટર 11માં સંમેલન હતું ત્યારે મે ગેનીબેનને વિનંતી કરી હતી, ત્યારે ગેનીબેન એવું કહેતા હતા કે ભાઇ મે બંધારણ નથી ઘડ્યું, પણ બોલ્યા તો હતા તમે ને? પેલા આગળ તો તમે આવ્યા હતા ને? તમે બોલ્યા હતા ને? તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું હશે. બરાબર છે, બંધારણ કર્યું. ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા તે દૂર થશે. ઠાકોર સમાજના બધા આગેવાનોએ જે બહુ સારું કામ કર્યું છે.

ઢોલ વગાડશો તોય દારૂ પીનારો પીવાનો જ છે

તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ તેના લીધા ડીજેના જે કલાકારો હતા તે બિચારા ઘરે બેસી ગયા છે. જે આગેવાનોએ બંધારણ કર્યું છે એ લોકોને ખબર નથી કે ડીજે એટલે શું. તેઓ એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કૂદશે, દારૂ પીશે અને ઝઘડા થશે. એવું જરૂરી નથી, ઢોલ વગાડશો તોય દારૂ પીનારો પીવાનો જ છે. ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો, ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે, એ વસ્તુ ખોટી છે.

લોકો વીઘો ગીરવી રાખીને ડીજે લાવ્યા હતા, એ ઘરે બેસી ગયા

તેમણે ઉમેર્યું હતું કે, જે ડીજે બંધ થયા છે એના લીધે ઘણા ઘણા બધા કલાકારોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે. મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીઘો ગીરવી રાખીને ડીજે લાવ્યા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા છે. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે હશે? તો, એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બેઘર થયા, એમની કમાણી બધી બંધ થઈ ગઇ.

આપણી બાજુ ડીજે બંધ થવાનું નથી, બંધ કરાવે તો મને કહેજો

વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે, તમે ડીજે બંધ કરાવી દો કંઇ વાંધો નથી પરંતુ ડીજે બંધ થવાથી જે લોકો ઘરે બેસી ગયા છે તેમને રોજગાર આપે, નોકરી આપો, કોઇ ધંધો આપો. ડીજેના કલાકારો ગાવા, વગાડવા સિવાય કશું કરી શકવાના નથી. ત્યારે મારે બંધારણ જેમણે કર્યું છે તેમને ખાસ વિનંત છેકે જે જે કલાકાર ઘરે બેસી રહ્યાં છે તેમને રોજગાર મળે તેવું તમે કરજો. અને આપણી બાજુ ડીજે બંધ થવાનું નથી. જો કોઇ બંધ કરાવવા આવે તો મને કહેજો.