PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લેવાના છે. નવો જિલ્લો બન્યા બાદ આ તેમની સંભવતઃ પ્રથમ મુલાકાત છે. અહીંથી તેઓ 19 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મારી માવડીઓ, માતા-બહેનો મોટી સંખ્યામાં આવી છે. તેમને મારા વિશેષ પ્રણામ છે.
તેમણે જણાવ્યું હતું કે, આજથી 25 વર્ષ પહેલા બનાસકાંઠા અને આ ક્ષેત્રના વિકાસની જવાબદારી સોંપી હતી. જ્યાં સુધી ગુજરાતમાં હતો ત્યાં સુધી એ કામ મિશન મોડમાં શરૂ કર્યું હતું. દાયકાઓથી જે કઠણાઇ પડી રહી હતી, તેમાંથી મુક્તિ મળી છે. વિકાસની અપેક્ષાઓ એક પછી એક પૂરી થઇ રહી છે. મને ગર્વ છે, અહીં વિકાસનો જે સિલસિલો મને શરૂ કરવાનો મોકો મળ્યો હતો તે અનાવ્રત ચાલુ છે. આજે અહીં કેન્દ્ર અને રાજ્યની 20 હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સની શરૂઆત થઇ રહી છે. આ પરિયોજનાથી આ તાલુકાની સિકલ બદલાશે. રેલવે, હાઉસિંગ સહિતના કાર્યો સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ અહીંના જીવનને નવી ગતિ આપશે.
તેમણે કહ્યું કે અહીંનુ એક ગામડું એવું નહીં હોય કે જેની જોડે મારી યાદો ન હોય. આજે હું આવ્યો તો જૂના લોકોના ચહેરા જોવાનો મોકો મળ્યો. મોટી સંખ્યા જૂના લોકોને મળવાની તક મળી હતી. આપણા ઉત્તર ગુજરાતમાં આવીએ એટલે માતા-બહેનો સરસ મજાના રોટલા ખવડાવે. માખણ તાજું. લસણની ચટણી. તમારો આ સ્નેહ અને અપાર પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. જેટલો સ્નેહ તમે આપ્યો છે. પરિવારના એક દીકરાની જેમ મને મોટો કર્યો છે, એટલે જ્યાં છું ત્યાંથી આપણા સ્નેહને વિકાસરૂપે વ્યાજ સાથે ચૂકવવાનો પ્રયાસ કરું છું.
તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે. આ મા અંબાની કૃપા છે કે મને તેમના ચરણોમાં આવવાની તક મળી છે. તેમની કૃપાથી આજે તમે સૌ, મારા પોતાના પરિવાજનોના દર્શન કરવાનો લાભ મળ્યો છે. હું મા અંબાજીના ચરણોમાં પ્રણામ કરું છું. ભગવાન ધરણીધરને પ્રણામ કરું છું. આ એક સુખદ સંયોગ છેકે આજે મહાવીર જંયતી આપણે મનાવી રહ્યાં છે, આપણું આ ક્ષેત્ર અનેક જૈન તીર્થોની ભૂમિ છે.
સાણંદ GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદમાં GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને કહ્યું છે કે સાણંદનું ઉત્પાદન અમેરિકા પહોંચશે. આ સાથે, આ સુવિધા પર કોર્મશિયલ પ્રોડક્શન શરૂ થશે, જે ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. એડવાન્સ્ડ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs)ના ઉત્પાદન સાથે વાણિજ્યિક ઉત્પાદન શરૂ થશે. આ મોડ્યુલ્સ ઓટોમોટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશનો માટે મહત્વપૂર્ણ ઘટકો છે જેને કોમ્પેક્ટ, કાર્યક્ષમ અને વિશ્વસનીય પાવર સ્વિચિંગ સિસ્ટમ્સની જરૂર હોય છે. દરેક મોડ્યુલમાં 17 ચિપ્સ છે અને તે કેલિફોર્નિયા સ્થિત આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટર (AOS) ને પૂરા પાડવામાં આવશે. જ્યારે પ્લાન્ટના તમામ તબક્કાઓ પૂર્ણ થશે ત્યારે તેની ઉત્પાદન ક્ષમતા દરરોજ 6.33 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે.
કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભગવાન મહાવીરના ચરણોમાં પ્રણામ કરી દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે અભ્યાસ, આધ્યાત્મિક અભ્યાસ અને સ્વ-શિસ્તની સદીઓ જૂની પરંપરા જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી, જેને તેમણે ભારતીય સંસ્કૃતિનો પાયો ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ નવું સંગ્રહાલય જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણા સમૃદ્ધ પ્રાચીન વારસા માટે એક પવિત્ર મંદિર તરીકે ઉભરી આવ્યું છે.
વડાપ્રધાને પ્રાચીન તક્ષશિલા અને નાલંદા જેવા જ્ઞાનકેન્દ્રોનો વિદેશી આક્રમણકારો દ્વારા થયેલો વિનાશ યાદ કર્યો હતો અને આઝાદી પછી ગુલામીની માનસિકતાના કારણે આ અમૂલ્ય જ્ઞાનના સંરક્ષણ પ્રત્યેની ઉપેક્ષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી જેવા સંતોની નિષ્ઠાની સરાહના કરી હતી, જેમણે દેશભરમાંથી પ્રાચીન લિપિઓ અને તાડપત્રો એકત્રિત કરીને કોબા ખાતે સુરક્ષિત રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જેને તેમણે ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની મોટી સેવા ગણાવી હતી.
