Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરની જનરલ હોસ્પિટલમાં હડકવાનો ચોંકાવનારો તબીબી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજસ્થાનની એક મહિલાને નોળિયો કરડતા જ દોઢ મહિનામાં હડકવા થયો. આ મહિલાને પાલનપુરની હોસ્પિટલમાં લાવતાં હડકવાના લક્ષણો જોઈને તબીબો પણ ભારે અચંબામાં મૂકાયા હતા.
નોળિયો કરડતાં મહિલાને હડકવા થયો
મળતી વિગત મુજબ, રાજસ્થાનના સિરોહી જિલ્લાની 45 વર્ષીય મહિલા ડાળીબેન ઉજાજી સરગડાને નોળિયો કરડ્યો હતો. નોળિયો કરડતાં તે સારવાર માટે રાજસ્થાનની સ્થાનિક હોસ્પિટલમાં હડકવાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. ત્યારબાદ મહિલા બીજો ડોઝ લેવા માટે ગઈ. ત્યારે મહિલાને સ્થાનિક ડોક્ટરે એમ જણાવ્યું કે, નોળિયો કરડે તો રસીની ન લે તો પણ ચાલે. આમ કહેતા મહિલાએ રસી લેવાનું ટાળ્યું હતું.
રસી ન લેતાં દોઢ મહિનામાં લક્ષણો દેખાયા
બાકીની રસીનો ડોઝ ન લેતાં મહિલાને દોઢ જ મહિનામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાયા હતા. આ લક્ષણોમાં મહિલાને હાઈડ્રોફોબિયા એટલે પાણીનો ડર જોવા મળ્યો હતો. મહિલા નજીક પાણી લાવતા જ તે ડરી જતી હતી. આથી ડોક્ટરો આશ્ચર્યમાં મૂકાયા હતા. હાલ મહિલાના હડકવાના લક્ષણોની તપાસ કરીને ડોક્ટરોએ તેનો ઈલાજ ચાલું કરી દિધો છે.
પાણી જોતાં મહિલા ડરી જાય છે
આ બાબતે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ડો. સુનીલ જોશીએ કહ્યું કે, જનરલ હોસ્પિટલ પાલનપુરમાં એક આશ્ચર્યજનક કિસ્સો આવ્યો છે. રાજસ્થાનની 45 વર્ષીય મહિલાને નોળિયો કરડતા તેને હડકવા ઉપડ્યો હતો. તેને સ્થાનિક સારવાર કેન્દ્રમાં રસી લેવા ગઈ. પણ ત્યાના તબીબોએ હડકવા લાગતો નથી. તેમ જણાવતા, મહિલાએ બાકીના ઇન્જેકશન લીધા નહોતા. આથી મહિલામાં હડકવાના લક્ષણો દેખાયા છે.મહિલા પાસે પાણી લઈ જઈએ તો તે ડરે છે.જેથી હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
