Lakhani Murder: વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામમાં દિનદહાડે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અજાણ્યા હુમલાખોરોએ પાર્લરમાં ઘૂસીને એક યુવક પર પહેલા ફાયરિંગ કર્યું હતુ. જે બાદ ધારદાર હથિયારના આડેધડ ઘા ઝીંકીને યુવકનું ઢીમ ઢાળી દીધુ હતુ. આ સમગ્ર ઘટના પાર્લરના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લાખણી તાલુકાના કુવાણા ગામમાંથી પસાર થતાં જેતડા-દિયોદર હાઈવે પર આવેલ 'ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ' નજીક એક યુવક ઉભો હતો. આ સમયે અચાનક ત્રણેક અજાણ્યા ઈસમો હાથમાં ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા. જેમણે સૌ પ્રથમ ફાયરિંગ કર્યું હતુ. જેથી યુવક પોતાનો જીવ બચાવવા પાર્લરની અંદર તરફ ભાગ્યો હતો.
આ પણ વાંચો
જો કે હુમલાખોરોએ પીછો કરીને તરત જ તેને પકડી પાડ્યો હતો. જે બાદ ધારદાર હથિયારો લઈને યુવક પર તૂટી પડ્યા હતા. આ સમયે પાર્લર પર ઉપસ્થિત અન્ય લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ હુમલામાં યુવક ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈને મોતને ભેટ્યો હતો. જે બાદ હુમલાખોરો તરત જ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા.
બીજી તરફ આ બનાવીન જાણ થતાં વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા, દિયોદર DySp અને PI સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ શામળ ભીલ તરીકે થઈ છે. હાલ તો પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને ફાયરિંગ વિથ મર્ડરનો ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
