ગુજરાતના મંદિરોમાં અધિક માસની પૂનમે ભક્તોનું ઘોડાપૂરઃ અંબાજી સહિતના મંદિરોમાં સવારથી ભક્તોની લાંબી કતારો લાગી

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અધિકમ માસની પૂનમે મંદિર દર્શનાર્થે આવેલા ભક્તોથી માં અંબાનો પવિત્ર ચાચર ચોક ઉભરાયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 31 May 2026 01:16 PM (IST)Updated: Sun, 31 May 2026 01:16 PM (IST)
gujarat-temples-see-massive-rush-of-devotees-on-adhik-purushottam-purnima

Palanpur News: હિન્દુ ધર્મમાં પવિત્ર અધિક પુરુષોત્તમ મહિનાની પૂનમનું વિશેષ મહત્વ છે. ત્યારે રવિવારની રજાના દિવસે પૂનમ આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે પહોંચ્યા છે. અંબાજી, પાવગઢ, ઉમિયાધામ સહિતના મંદિરો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ નોંધાઈ હતી. શ્રદ્ધાળુઓએ મંગળા આરતી અને વિશેષ પૂજા-અર્ચના દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંબાજી શક્તિપીઠમાં ભક્તોની ભારે ભીડ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અધિકમ માસની પૂનમે મંદિર દર્શનાર્થે આવેલા ભક્તોથી માં અંબાનો પવિત્ર ચાચર ચોક ઉભરાયો હતો. મોટી સંખ્યામાં માઇભક્તોએ મંગલા આરતીમાં ભાગ લીધો હતો. સમગ્ર પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટજી મહારાજે જણાવ્યું હતું કે, અધિક માસની પૂનમનું એક વિશેષ મહત્વ છે. આ પવિત્ર દિવસે બીજનું દાન કરવાથી ભક્તોને અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

અમદાવાદના મેયરે શિખર પર ધજા ચડાવી

તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પદે વરણી પામેલા હિતેશ બારોટ અધિક માસની પૂનમના પાવન અવસરે અંબાજી ખાતે દર્શનાર્થે આવ્યા હતા. તેમણે પૂજા-અર્ચના કરી હતી અને શિખર પર ધજા ચડાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1982થી હું દર પૂનમે અંબાજી આવું છે. જો મારાથી કોઇ કારણવશ ન અવાય તો મારા પરિવારમાંથી કોઇ એક સભ્ય અચૂકપણે પૂનમ ભરવા માટે આવે છે. હું મેયર બન્યો એ પહેલા હું મા અંબાનો પરમભક્ત છું. પૂનમ ભરવા માટે મે ભૂતકાળમાં બસ અને જીપમાં પણ યાત્રા કરી છે.

ખેડબ્રહ્માના 'મીની અંબાજી'માં ભક્તો ઉમટ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં પ્રાચીન અંબિકા માતાજીનું મંદિર આવેલું છે. જેને મીની અંબાજી પણ કહેવામાં આવે છે. પૂનમ નિમિત્તે મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે. બોલ માડી અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે મંગળા આરતી, પૂનમની વિશેષ પૂજા અને ધ્વજારોહણની પરંપરા છે. અહીં વર્ષમાં બે વખત મેળાનું આયોજન કરવામાં આવે છે. માગશર, પોષ, ફાગણ મહિનાની પૂનમનું ખાસ મહત્વ છે.