Loading...

Palanpur: અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય સમાપન: લાખો ભક્તો ઉમટ્યા, જુઓ મનમોહક દ્રશ્યો

3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં સમગ્ર અંબાજી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, સુરક્ષા અને ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 02 Feb 2026 10:02 PM (IST)Updated: Mon 02 Feb 2026 10:02 PM (IST)
grand-conclusion-of-51-shaktipeeth-parikrama-festival-in-ambaji-lakhs-of-devotees-gathered-see-captivating-scenes-684687

Ambaji: પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આયોજિત ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આજે અત્યંત ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું છે. આ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહોત્સવના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ ઉપસ્થિતિ આપી માઈભક્તોની સેવા કરી હતી.

શંકરભાઈ ચૌધરીનો સેવાકીય અભિગમ
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માત્ર અતિથિ તરીકે નહીં, પરંતુ એક સાચા માઈભક્ત તરીકે પરિક્રમામાં જોડાયા હતા. તેમણે ગબ્બરની પરિક્રમા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે એક અનોખો સેવાયજ્ઞ આદર્યો હતો:

અલ્પહાર સેવા: અધ્યક્ષે જાતે શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પહાર પીરસીને સેવાનો આદર્શ પૂરો પાડ્યો હતો.

સફાઈ કર્મીઓનું સન્માન: મહોત્સવ દરમિયાન અંબાજી અને ગબ્બર વિસ્તારને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મીઓની કામગીરીને તેમણે હૃદયપૂર્વક બિરદાવી હતી.

યજ્ઞમાં આહુતિ: શાસ્ત્રોક્ત વિધિ મુજબ આયોજિત યજ્ઞમાં તેમણે આહુતિ આપીને રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

પીએમ મોદીના સંકલ્પની પૂર્તિ
આ પ્રસંગે વાત કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે- ગબ્બર ખાતે 51 શક્તિપીઠોનું નિર્માણ એ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. દુનિયાભરમાં અને ખાસ કરીને વિદેશમાં (પાકિસ્તાન, શ્રીલંકા વગેરે) આવેલી શક્તિપીઠોના દર્શન સામાન્ય ભક્તો માટે અશક્ય હતા. આજે આ મહોત્સવના કારણે લાખો શ્રદ્ધાળુઓ એક જ સ્થળે, ગબ્બરની પરિક્રમા કરીને તમામ ૫૧ શક્તિપીઠોના આશીર્વાદ મેળવી રહ્યા છે.

'હરિયાળી ઓઢણી' અને પ્રકૃતિ પ્રેમ
શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાળુઓને એક ખૂબ જ સુંદર અને પર્યાવરણલક્ષી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે- માં જગદંબાનું સ્વરૂપ પ્રકૃતિમય છે. ગબ્બરના પથ્થર, વનસ્પતિ અને પશુ-પક્ષીઓ એ માના જ અંશ છે. જો આપણે આ પ્રકૃતિનું જતન કરીએ, વૃક્ષોને નુકસાન ન પહોંચાડીએ, તો તે માં જગદંબાને 'હરિયાળી ઓઢણી' ઓઢાડ્યા સમાન પુણ્યનું કાર્ય છે.

આસ્થા અને વ્યવસ્થાનો સંગમ
3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં સમગ્ર અંબાજી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, સુરક્ષા અને ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ ગુજરાતની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરનારું કેન્દ્ર બન્યું છે.