Banaskantha Accident News: વડગામ તાલુકાના સકલાણા ગામે ચોમાસાના પ્રથમ વરસાદ વચ્ચે બનેલી એક અત્યંત કરુણદુર્ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. ચાલુ વરસાદમાં જીવંત વીજ વાયર તૂટીને પડતાં એક જ પરિવારના બે કમાતા સભ્યોના મોત નીપજ્યા છે, જેના કારણે ગામમાં માતમ છવાઈ ગયો છે.
ખેતરમાં ઘાસચારો ઢાંકવા જતા કાળ ભેટ્યો
બુધવારે રાત્રે ગામના કાનજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશભાઈ પ્રજાપતિ એક્ટિવા પર પોતાના ખેતરમાં પડેલા ઘાસચારાને વરસાદથી બચાવવા માટે ઢાંકવા જઈ રહ્યા હતા. ભારે પવન, વરસાદ અને વીજળીના માહોલ વચ્ચે ઉપરથી પસાર થતી 11 KV હાઈ વોલ્ટેજ વીજ લાઇનનો ચાલુ વાયર અચાનક તેમના પર તૂટી પડ્યો હતો. તેમની બિલકુલ પાછળ જ બાઈક પર તેમનો નાનો દીકરો પણ આવી રહ્યો હતો, જેની નજર સામે જ કરંટના જોરદાર આંચકાથી બંને પિતા-પુત્રએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પ્રી-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને ખાસ કરીને UGVCL ની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચોમાસા પહેલાં વીજ લાઇનોની જાળવણી અને પ્રી-મોન્સુન કામગીરીને લઈને ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોનું સ્પષ્ટ માનવું છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો કદાચ આ મોટી દુર્ઘટના ટાળી શકાઈ હોત અને બે નિર્દોષ જીવો બચાવી શકાયા હોત.
વાયર તૂટ્યો હોવાનો તંત્રનો ખુલાસો
ઘટનાની ગંભીરતાને જોતા વડગામ મામલતદાર, પોલીસ અને UGVCL ના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલતદારે પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે વીજ થાંભલા ઉપર વીજળી પડવાના કારણે આ વાયર તૂટ્યો હોવાની સંભાવના છે.
આ પણ વાંચો: Banaskantha: પાલનપુર-આબુ હાઈવે પર ગંભીર અકસ્માત, પાંચથી વધુ વાહનોનો ભુક્કો બોલ્યો; 1 વ્યક્તિનું મોત
બીજી તરફ, વડગામ વીજ વિભાગના અધિકારી અજયસિંહ સોલંકીએ આ દુર્ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે થાંભલા પર આવેલી 11 KV ની પિન ઇન્સ્યુલેટર, જેના પર વાયર બાંધેલો હતો, તેના પર સીધી વીજળી પડી હતી. વીજળીના પ્રચંડ પ્રવાહના કારણે પિન ઇન્સ્યુલેટર સળગી ગયું હતું, જેને પગલે એલ્યુમિનિયમ વાયરના બે ટુકડા થઈ ગયા હતા અને તે સીધો નીચે એક્ટિવા પર તૂટી પડ્યો હતો.
