Banaskantha: અંબાજી નજીક રીંછડી ગામમાં કરુણાંતિકા, તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઈ સહિત 3 બાળકોના ડૂબી જવાથી મોત

બાળકીને તરતા ના આવડતું હોવાથી તે કિનારે બેઠી હતી, જ્યારે 3 બાળકો તળાવમાં ઉતર્યા બાદ બહાર ના આવતા તે ગભરાઈને ઘરે પહોંચીને લોકોને જાણ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 09:58 PM (IST)Updated: Sat, 06 Jun 2026 09:58 PM (IST)
banaskantha-news-3-children-drown-to-death-in-lake-of-rinchadi-village-near-ambaji
HIGHLIGHTS
  • ગ્રામજનોનો કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આક્ષેપ

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની નજીક રીંછડી ગામના તળવામાં ન્હાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે.

બાળકી સહિત 4 બાળકો તળાવમાં ન્હાવા માટે ગયા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રીંછડી ગામમાં રહેતા આદિવાસી પરિવારની 3 બાળકો અને એક બાળકી આજે બપોરે 2 વાગ્યાની આસપાસ ગામમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જો કે બાળકીને તરતા આવડતું ના હોવાથી તે કિનારે બેસી રહી હતી. જ્યારે ત્રણ બાળકો તળાવમાં ઉતર્યા હતા.

જો કે લાંબા સમય સુધી બાળકો પાણીમાંથી બહાર ના આવતા કિનારે બેસેલી બાળકી ગભરાઈ ગઈ હતી. તેથી તાત્કાલિક ઘરે પહોંચીને પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં બાળકના પરિવારજનો ઉપરાંત ગામના સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ત્રણેયના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણેય બાળકોની વય 7, 8 અને 10 વર્ષની આસપાસ હોવાનું તેમજ બે બાળકો સગા ભાઈઓ હોવાનું માલૂમ પડ્યું છે.

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ત્રણેય બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ

ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, રીંછડી ગામના તળાવમાં વિકાસ કામો ચાલી રહ્યા છે. જેના માટે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવમાં ઊંડા ખાડા કરવામાં આવ્યા છે. કંપનીએ પણ તળાવની આસપાસ ચેતવણી આપતા બોર્ડ નથી લગાવ્યા અને સિક્યુરિટી ગાર્ડને પણ તૈનાત નથી કરાયો. જેના કારણે ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા પડ્યા, ત્યારે ઊંડાઈનો ખ્યાલ ના આવતા ડૂબી ગયા છે.