Loading...

ગુજરાત એટીએસની નવસારીમાં કાર્યવાહીઃ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત યુવકની ધરપકડ, લોન વુલ્ફ હુમલાની તૈયારીમાં હતો

ઉત્તર પ્રદેશના રામપુરનો વતની એવો ફૈઝાન શેખ નવસારીમાં રહેતો હતો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી તે પ્રભાવિત થયો હતો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 27 Jan 2026 11:53 AM (IST)Updated: Tue 27 Jan 2026 04:10 PM (IST)
gujarat-ats-arrests-terror-plotter-in-navsari-linked-to-jem-al-qaeda-680618

Gujarat ATS News: ગુજરાત એટીએસ દ્વારા આતંકી વિચારધારા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોતાનો મનસૂબો પાર પાડે એ પૂર્વે આતંકવાદી વિચાધારાથી પ્રભાવિતોને પકડવામાં આવી રહ્યાં છે. ત્યારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શકમંદ યુવકની ધરપકડ કરવામાં આવી છે. જે યુવકની ધરપકડ કરાઇ છે તે યુવક જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત છે. તે "લોન વુલ્ફ" હુમલાની તૈયારી કરી રહ્યો હતો.

ફેઝાન શેખ ત્રણ વર્ષથી કરતો હતો દરજી કામ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ફેઝાન મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી નવસારીમાં રહીને દરજી કામ કરતો હતો. તે સમયાંતરે તેના વતન જતો હતો. ગુજરાત ATS ના ડીવાયએસપી (DySP) હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે ફેઝાન કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે.

લોન વુલ્ફ તરીકે હુમલો કરવાની તૈયારીમાં હતો

ફેઝાન શેખ સોશિયલ મીડિયા અને ઓનલાઇન માધ્યમોથી રેડિકલ થયો હતો. તે ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો જેઓ પેગંબર વિરુદ્ધ ટિપ્પણી કરતા હોય. તે જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનોના મુફ્તી મસૂદ અઝહર અને અબ્દુલ રઉફ અસગર જેવા આતંકીઓને ફોલો કરતો હતો. તેની વિચારધારા કાશ્મીરને ભારતથી અલગ કરવાની અને દેશમાં જિહાદ ફેલાવવાની હતી. તે એક "લોન વુલ્ફ" (એકલો હુમલાખોર) તરીકે હુમલો કરવાની તૈયારીમાં હતો.

એક પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા

ATS અને નવસારી SOG ની સંયુક્ત ટીમે ફેઝાનની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી એક પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આશરે છ મહિના પહેલા તે રામપુર ગયો હતો ત્યારે ત્યાંથી તેણે રૂપિયા 30,000 માં આ હથિયાર ખરીદ્યું હતું.

ટેકનિકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું છે કે તે ‘અલ ફેઝાન ગાઝા’ (Al Faizan Gaza) અને અન્ય નામે ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવતો હતો, જેના પર તે આતંકી સંગઠનોનું રેડિકલ મટિરિયલ અપલોડ કરતો હતો. તેના ફોનમાંથી શંકાસ્પદ સાહિત્ય અને ટાર્ગેટ કિલિંગ માટેના લિસ્ટ અંગેની વિગતો મળવાની શક્યતા છે.

હાલમાં ફેઝાનના 12 દિવસના રિમાન્ડ મેળવવામા આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ‘મોહમ્મદ અબુબકર’ નામના શખ્સ સાથે તેના ચેટિંગ અને વિડિયો શેરિંગના પુરાવા મળ્યા છે. ATS હવે તેના મોબાઈલ અને સોશિયલ મીડિયા ડેટાનું એનાલિસિસ કરી તેના અન્ય સાથીદારો અને ફાઇનાન્શિયલ નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.