નર્મદામાં કુદરતનો કહેર: વાવાઝોડામાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 10 વર્ષની બાળકીનું કરુણ મોત, એક વૃદ્ધ ઈજાગ્રસ્ત

નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં મોડી રાત્રે વાવાઝોડાને કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ. કાટમાળ નીચે દબાતા 10 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 31 May 2026 03:25 PM (IST)Updated: Sun, 31 May 2026 03:25 PM (IST)
narmada-nandod-lachharas-village-house-wall-collapse-girl-death-storm

Narmada News: નર્મદા જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરુ થયો હતો. પરંતુ હવામાનમાં આવેલા અચાનક પલટાએ એક પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી. નર્મદાના નાંદોદ તાલુકામાં આવેલા લાછરસ ગામમાં ગઈ મોડી રાત્રે કુદરતે એક પરિવાર પર પ્રકોપ વરસાવ્યો હતો. લાછરસ ગામે રહેતો એક પરિવાર નિરાંતે રાત્રે સુઈ રહ્યો હતો. પરંતુ ભારે વાવાઝોડાને લીધે મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બાળકીનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

વાવાઝોડું ફૂંકાતા ઘરની દિવાલ ધરાશાયી

સત્તાવાર માહિતી મુજબ, નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં 31 મે 2026ના રોજ રાત્રે 2.30 થી 30 ના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. લાછરસ ગામમાં એક પરિવાર પોતાના ઘરમાં આરામથી સૂઈ રહ્યો હતો. ત્યારે અચાનક ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાના લીધે રહેણાંક મકાન અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. આ દિવાલ પડતા તેની નીચે પરિવારના બે સભ્યો દબાઈ ગયા હતા.

  • હર્ષદભાઈ મથુરભાઈ પટેલ (ઉંમર આશરે 60 વર્ષ)
  • રીંકુબેન જીજ્ઞેશભાઈ પટેલ (ઉંમર આશરે 10 વર્ષ)

10 વર્ષીય બાળકીનું મોત થયું

ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને ભારે જહેમત બાદ કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્ત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સમાં રાજપીપળા સિવિલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ, આ દુર્ઘટનામાં 10 વર્ષીય રીંકુએ દમ તોડી દીધો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્ય પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. ગંભીર દુર્ઘટનામાં થયેલા બાળકીના મોતને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.